×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લખનઉ મહાપંચાયત, સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ તો થશે જ : ખેડૂતો


નવી દિલ્હી, તા.૨૦
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ મુદ્દે લગભગ એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શાંત કરવા કેન્દ્ર સરકારે શુક્રવારે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં ખેડૂતોનું આંદોલન પૂરું થયું નથી. ઉલટાનું ખેડૂતોએ ૨૨મી નવેમ્બરે લખનઉમાં મહાપંચાયત અને ૨૯મી નવેમ્બરે સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોએ સંસદમાં કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની ગઈકાલે જાહેરાત કરી હતી. હવે ખેડૂતોએ કેન્દ્ર સમક્ષ એમએસપી અંગે લેખિત ગેરેન્ટી સહિત તેમની છ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતાં સરકારની ચિંતા વધી ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વના દિવસે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કર્યા પછી શનિવારે કિસાન સંયુક્ત મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આંદોલનકારી બધા જ ખેડૂત સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા. ખેડૂત નેતા અને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ની કોર સમિતિના સભ્ય ડૉ. દર્શન પાલે કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની પ્રક્રિયા સંસદમાં પૂરી ન થાય અને ટેકાના ભાવ અંગે લેખિત ગેરેન્ટી ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આંદોલનની ભાવી રૂપરેખા અને એમએસપીના મુદ્દાઓ પર અંતિમ નિર્ણય રવિવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં લેવાશે.
તેમણે ઉમેર્યું કે, કિસાન સંયુક્ત મોરચાએ ૨૨મી નવેમ્બરે લખનઉમાં મહાપંચાયત, ૨૬મીએ આખા દેશમાં ખેડૂત આંદોલનના એક વર્ષ પૂરું થતાં ઊજવણી કરવાનું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે ૨૯મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદ સુધી દૈનિક ૫૦૦ ટ્રેક્ટર સાથે માર્ચ કાઢવામાં આવશે. કૃષિ કાયદા, એમએસપી, ખેડૂતોની ધરપકડ, આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર સહિત અમારી છ માગણીઓ છે. અમને આશા છે કે સરકાર આ મુદ્દાઓ પર વાટાઘાટો માટે વહેલી તકે બેઠક બોલાવશે.
બીજીબાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશમાં રાજાશાહી નથી, ટીવી પર જાહેરાત કરવાથી ખેડૂતો ઘરે પાછા નહીં જાય, સરકારે ખેડૂતો સાથે વાત કરવી પડશે. સરકાર અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે વાત કરવા આગળ આવે છે કે નહીં તે પણ જોવું પડશે. અન્ય ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ જણાવ્યું કે, બેઠકમાં એમએસપી, ખેડૂતો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતીય કિસાન યુનિયન (ઉગરાહા)ના અધ્યક્ષ જોગિંદરસિંહ ઉગરાહાંએ ટિકરી બોર્ડર પર કહ્યું કે ટ્રેક્ટર માર્ચ પાછી લેવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. એસકેએમની કોર સમિતિની રવિવારની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
 આ બધા સિવાય સંયુક્ત મોરચાએ એક અખબારી યાદી પણ જાહેર કરી હતી, જેમાં ખેડૂતોએ પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે. તેમણે કહ્યું છે કે દેશના વડાપ્રધાન મોદીએ ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવાના તેમની સરકારના નિર્ણયની જાહેરાત કરી છે ત્યારે તેઓ ખેડૂતોની અન્ય બાકીની માગો અંગે ચૂપ રહ્યા હતા. ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં ૬૭૦થી વધુ ખેડૂતોએ બલિદાન આપ્યું છે અને ભારત સરકારે શ્રદ્ધાંજલી આપવાનું તો દૂર તેમના બલિદાનને સ્વીકાર્યું પણ નથી. હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ચંડીગઢ, મધ્ય પ્રદેશ અને અન્ય જગ્યાઓએ હજારો ખેડૂતોને સેંકડો ખોટા કેસોમાં ફસાવાયા છે.
ખેડૂતોના આગામી કાર્યક્રમો અંગે જણાવાયું છે કે દિલ્હીથી દૂર વિવિધ રાજ્યોમાં ૨૬ નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થવા પ્રસંગે અન્ય વિરોધ પ્રદર્શનોની સાથે રાજધાનીઓમાં ટ્રેક્ટર અને બળદગાડાની પરેડ કઢાશે. ૨૮મી તારીખે ૧૦૦થી વધુ સંગઠનો સાથે સંયુક્ત શેતકારી કામગાર મોરચાના બેનર હેઠળ મુંબઈના આઝાદ મેદાનમાં એક વિશાળ મહારાષ્ટ્રવ્યાપી ખેડૂત-મજૂર મહાપંચાયતનું આયોજન કરાશે. ૨૯ નવેમ્બરથી દૈનિક ૫૦૦ દેખાવકારોની ટ્રેક્ટર ટ્રોલીઓ સંસદ સુધી શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે માર્ચ કાઢશે.


સરકાર છ માગણી માને પછી જ ઘરે જઈશું : ટિકૈત
કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ ખેડૂત સંગઠનો સાથે વાત કરે.
ટેકાના ભાવ (એમએસપી) મુદ્દે કાયદો બનાવવા કેન્દ્ર સંમત થાય.
આંદોલન કરનારા હજારો ખેડૂતો અને તેમના નેતાઓ સામેના કેસ પાછા ખેંચાય અને આંદોલનમાં મોત થયા હોય તેવા ખેડૂત પરિવારોને વળતર ચૂકવાય.
વીજળી બિલના મુદ્દાનો ઉકેલ આવે.
લખિમપુર ખીરી કાંડના પીડિતોને ન્યાય મળે અને દોષિતોને સજા થાય.
ખેડૂતોના પરાળી સળગાવવા સાથે સંકળાયેલ વાયુ પ્રદૂષણના મુદ્દાનો ઉકેલ આવે.