×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૃષિ કાયદા પરત લેવા મુદ્દે ભાજપના સાંસદ અસહમત, કહ્યું- PMએ મજબૂરીવશ લીધો નિર્ણય


- કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ બિલને લઈ ખેડૂતોને સતત આડે પાટે ચડાવ્યાઃ મુકેશ રાજપૂત

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ક્રિયા-પ્રતિક્રિયાઓનો મારો ચાલી રહ્યો છે. સત્તા પક્ષના લોકો આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે ફર્રૂખાબાદના ભાજપા સાંસદ મુકેશ રાજપૂતે વડાપ્રધાન મોદીના આ નિર્ણય સામે અસહમતિ દર્શાવી છે. તેમના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીએ મજબૂરીવશ કાયદા પાછા લેવાનો નિર્ણય લીધો છે. 

ભાજપના સાંસદ કાયમગંજ સ્થિત સહકારી સુગર મિલના પેરાઈ સત્રનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'હું ખેડૂત બિલ પાછું લેવામાં આવ્યું તેના સાથે સહમત નથી. હું વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, બિલનું સરળીકરણ કરીને આ બિલને લાગુ કરવામાં આવે. દેશમાં આઝાદી બાદથી જ ખેડૂતોના પગમાં બેડીઓ હતી. આ બિલના કારણે ખેડૂતોની બેડીઓ દૂર થઈ હતી.'

સાંસદે જણાવ્યું કે, બિલ પાછું ખેંચાયુ તેના કારણે ખેડૂતો ફરી આ બેડીઓમાં પુરાશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત અંગે કહ્યું કે, તેઓ જણાવે કે શું તે ખેડૂતોના હિતમાં છે કે ઉદ્યોગપતિઓના હિતમાં છે. કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ બિલને લઈ ખેડૂતોને સતત આડે પાટે ચડાવ્યા. આ કારણે વડાપ્રધાને મજબૂરીવશ આ નિર્ણય લેવો પડ્યો છે. 

સાસંદ મુકેશ રાજપૂતે કહ્યું કે, આ બિલોના કારણે દેશના કોઈ ખેડૂતને કશું જ નુકસાન નહોતું થઈ રહ્યું. ખેડૂતો પોતાનો પાક દેશના કોઈ પણ ખૂણે વેચી શકતા હતા. હું વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, બિલનું સરળીકરણ કરીને તેને લાગુ કરવામાં આવે.