×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ભારતમાં લોકો પગે પડે છે પરંતુ પાકિસ્તાનમાં મને કાફિર કહીને બોલાવે છે'


- "શબાના આઝમીએ પણ કહ્યું હતું કે, એક મુસલમાન તરીકે તેમના માટે ભારતમાં ઘર ભાડે શોધવું કેટલું મુશ્કેલ હતું"

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર, 2021, બુધવાર

પાકિસ્તાનના મશહૂર મ્યુઝિશિયન, સિંગર-સોન્ગ રાઈટર, ગિટારિસ્ટ, બેન્ડલીડર, ફરાઝ અનવરે પોતાના દેશમાં મ્ચુઝિશિયનના સંઘર્ષની કથા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં હેવી મેટલ અને હાર્ડ રોક ઝોનરમાં પોતાનું નામ કમાવનારો ફરાઝ આશરે 3 દશકાઓથી મ્યુઝિક બનાવી રહ્યો છે પરંતુ પાકિસ્તાન જેવા દેશમાં તેના માટેના પડકારો હજુ ઓછા નથી થયા. અલી હૈદર, જુનૂન, જુનૈદ જમશેદ, સજ્જાદ અલી અને સ્ટ્રિંગ્સ જેવા પાકિસ્તાનના મશહૂર આર્ટિસ્ટ્સ સાથે કામ કરી ચુકેલા ફરાઝે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈસ્લામમાં મ્યુઝિકને હરામ બતાવવાને લઈ અફસોસ વ્યક્ત કર્યો છે. 

ફરાઝ અનવરે કહ્યું કે, 'મેં એવું અનુભવ્યું છે કે, લોકો સમજી નથી શકતા કે આર્ટિસ્ટ કઈ રીતે કામ કરે છે. આજના સમયે પણ લોકોને લાગે છે કે, મ્યુઝિક એક સાઈડ બિઝનેસ છે અને ફક્ત એ લોકો જ મ્યુઝિક સાથે જોડાય છે જેમના પરિવારજનોની આર્થિક સ્થિતિ સારી હોય છે. મ્યુઝિક આર્ટિસ્ટ્સ સાથે ભેદભાવ પણ કરવામાં આવે છે. 2005માં હું એક સ્ટુડિયો બનાવવા માગતો હતો પરંતુ અમે કોઈ લોકેશન જ નક્કી નહોતા કરી શકતા. અમે જ્યાં પણ જતાં, લોકો કહેતા કે તેઓ ખૂબ રૂઢીવાદી મુસ્લિમ છે અને તેઓ મ્યુઝિક આર્ટિસ્ટને સ્ટુડિયો ન ખોલવા દઈ શકે. એલું જ નહીં, કરાચીમાં ઘર લેતી વખતે પણ મારે આ પ્રકારના સવાલોનો સામનો કરવો પડ્યો હતો.'

અનવરના કહેવા પ્રમાણે એક વખત પાકિસ્તાનમાં તેમનું બેન્ક એકાઉન્ટ ખોલવાની પણ ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું કે, 'મારે એક ડોલર એકાઉન્ટ ખોલવું હતું કારણ કે, હું ઓનલાઈન ક્લાસીસ આપું છું. પરંતુ મને કહેવામાં આવ્યું કે, મારી રિક્વેસ્ટ ફગાવી દેવામાં આવી છે કારણ કે હું એક મ્યુઝિક આર્ટિસ્ટ છું. મેં અકળાઈને શું હું કાફિર છું? એવો સવાલ કરેલો અને તે બેંક કર્મચારીએ હા પાડી હતી.'

ફરાઝે કહ્યું કે, 'હું જ્યારે મારા ભારતીય ચાહકોને મળું છું ત્યારે તેઓ મારા પગ પકડે છે જ્યારે પાકિસ્તાનીઓ ભારતીય ગીત સાંભળવા પર મને કંજર, મિરાસી કહીને બોલાવે છે. મેં અલગ અલગ ટ્રાન્સલેશન સાથે કુરાનને 5 વખત વાંચી છે. તેમાં ક્યાંય એવું નથી લખ્યું કે, મ્યુઝિક હરામ છે. જોકે કુરાનમાં જુગાર, લોન અને જિનાને ખરાબ ગણાવ્યું છે. પરંતુ તમે અમારી કોઈ પણ બેંકમાં જઈને લોન લઈ શકો છો.' 


ફરાઝના કહેવા પ્રમાણે લોકો જાણે છે કે, તેમનો મેસેજ દૂર-દૂર સુધી પહોંચે છે અને ધર્મના ઠેકેદારોને લાગે છે કે, તેઓ તેમનો પર્દાફાશ કરી શકે છે. તેઓ સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે. જુનૈદ જમશેદને એરપોર્ટ પર થપ્પડ મારવામાં આવી, લોકો ઉભા રહીને જોતા રહ્યા. અમજદ સાબરીની ધોળા દિવસે એક સાર્વજનિક બજારમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ અને કોઈએ દરકાર ન કરી. સંગીતકારોને છોડો, એ જોવો કે પ્રોફેસર અબ્દુસ સલામ સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો. હું એમ નથી કહી રહ્યો કે, ભારતીયો ભેદભાવ નથી કરતા, શબાના આઝમીએ પણ કહ્યું હતું કે, એક મુસલમાન તરીકે તેમના માટે ભારતમાં ઘર ભાડે શોધવું કેટલું મુશ્કેલ હતું. પરંતુ મુસ્લિમ સંગીતકારોને તો અહીં 'કાફિર' કહેવામાં આવશે કે ભારતમાં મુસ્લિમ હોવાના કારણે તેમને અધિકારોથી વંચિત કરી દેવામાં આવશે.