×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં દરોડો પાડવા ગઈ હતી CBIની ટીમ, ઓડિશામાં ટોળાએ કરી મારપીટ


- સીબીઆઈએ ઓનલાઈન બાલ શોષણ મામલે 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ નોંધ્યા હતા

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર, 2021, બુધવાર

ઓડિશાના ઢેંકાનાલ ખાતે સીબીઆઈ ટીમ સાથે મારપીટની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ સીબીઆઈ ટીમ ઓનલાઈન બાલ શોષણના કેસમાં દરોડો પાડવા માટે ગઈ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ ટીમ સાથે મારપીટ કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસ દ્વારા સીબીઆઈ અધિકારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

હકીકતે, સીબીઆઈએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં મંગળવારે યુપી, ઓડિશા સહિત 14 રાજ્યોમાં 77 જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તર પ્રદેશના જાલૌન, મઉ જેવા નાના જિલ્લાઓથી લઈને નોએડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેરો અને રાજસ્થાનના નાગૌર, જયપુર, અજમેરથી લઈને તામિલનાડુના કોઈમ્બતુર જેવા શહેરો પણ સામેલ છે. 

સીબીઆઈની ટીમ ઓડિશાના ઢેંકનાલ ખાતે ઓનલાઈન બાલ શોષણ કેસમાં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. ટીમે સવારના 7:00 વાગ્યા આસપાસના સમયે ઢેંકનાલ ખાતે સુરેન્દ્ર નાયકના ઘરે દરોડો પાડ્યો હતો. સીબીઆઈની ટીમ બપોર સુધી પુછપરછ કરતી રહી હતી. આ દરમિયાન કોઈ વાતને લઈ સ્થાનિક લોકો ભડકી ઉઠ્યા હતા અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો હતો. 

જાણવા મળ્યા મુજબ મહિલાઓએ પણ લાકડાના પાટિયાઓ સાથે સીબીઆઈ અધિકારીઓને ઘેરી લીધા હતા. ત્યાર બાદ તેમના સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. ટોળાએ કથિત રીતે સીબીઆઈ અધિકારીઓ પર હુમલો કરતા પહેલા તેમને નાયકના ઘરમાંથી બહાર ખેંચી કાઢ્યા હતા. ત્યાર બાદ તેમના સાથે મારપીટ કરવામાં આવી હતી.

સીબીઆઈએ 14 નવેમ્બરના રોજ ઓનલાઈન બાલ શોષણ મામલે 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ નોંધ્યા હતા. આ મામલે મંગળવારે સીબીઆઈએ 14 રાજ્યના 77 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હીના 19, યુપીના 11, આંધ્ર પ્રદેશના 2, ગુજરાતના 3, પંજાબના 4, બિહારના 2, હરિયાણાના 4, ઓડિશાના 3, તમિલનાડુના 5, રાજસ્થાનના 4, મહારાષ્ટ્રના 3, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશના 1-1 જિલ્લાઓ સહિત 77 જગ્યાઓએ દરોડો પાડવામાં આવ્યો હતો.