×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવે તો જ સસ્તા થાય


- કેન્દ્રીય પ્રધાન ગડકરીએ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવા આપેલી ફોર્મ્યુલા

- પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવે તો કેન્દ્ર-રાજ્યોની આવક વધશે  જો કે જીએસટીમાં સમાવવા મુદ્દે કેટલાક રાજ્યોનો વિરોધ 

- રૂ. પાંચના ઘટાડા પછી પેટ્રોલ પર રૂ. 27.90 અને રૂ. 10ના ઘટાડા પછી ડીઝલ પર હાલ રૂ. 21.80 એક્સાઇઝ ડયુટી

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવ માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન ગડકરીએ જણાવ્યું છે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તેના ભાવ ઘટી શકે છે. કેન્દ્રીય પ્રધાનના જણાવ્યા મુજબ પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી લાગુ કરવાથી બંનેના ભાવ તો ઘટશે જ સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં પણ વધારો થશે. 

એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારોનું સમર્થન મળ્યા પછી કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમન પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવાના પર્યત્નો ચોક્કસ કરશે. 

તેમણે જણાવ્યું હતું કે જીએસટી પરિષદમાં રાજ્ય સરકારોના નાણા પ્રધાન પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવાનો વિરોધ કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેના પર ટેક્સ ઘટી જશે અને કેન્દ્ર અને રાજ્યોની આવકમાં વધારો થશે. 

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે ૧૭ સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રાલ અને ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટીમાં અનુક્રમે પાંચ અને દસ રૂપિયાના ઘટાડા અંગે પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સામાન્ય માનવીને રાહત આપવા માટે સારું પગલું ભર્યુ છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકારે સામાન્ય માનવીને રાહત આપવા માટે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે તેમ અમને આશા છે કે રાજ્ય સરકારો પણ વેટમાં ઘટાડો કરશે. જેના કારણે સામાન્ય માનવીને વધુ રાહત મળશે. 

કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટીમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરતા હવે પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટી ઘટીને લિટર દીઠ ૨૭.૯૦ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા તેની એક્સાઇઝ ડયુટી ઘટીને લિટર દીઠ ૨૧.૮૦ રૂપિયા થઇ ગઇ છે. દીલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૨૩.૯૯ રૂપિયા વેટ અને ડીઝલ પર ૧૨.૬૮ રૂપિયા વેટ વસુલ કરવામાં આવે છે.