×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનઃ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા 3.20 લાખ ભારતીય સૈનિકોનો રેકોર્ડ મળ્યો


- સંગ્રહાલયમાં 97 વર્ષ સુધી દબાયેલા રહ્યા દસ્તાવેજો

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2021, ગુરૂવાર

બ્રિટિશ ઈતિહાસકારોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા 3.20 લાખ ભારતીય સૈનિકોનો રેકોર્ડ લાહોરના એક સંગ્રહાલયમાંથી શોધી કાઢ્યો છે. આ સંશોધને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના વ્યાપક યોગદાનને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે. તેમાં પંજાબ અને તેની આસપાસના સૈનિકોના નામ નોંધાયેલા છે. આ દસ્તાવેજો સંગ્રહાલયમાં છેલ્લા 97 વર્ષથી કોઈની નજરે ચઢ્યા વગર પડ્યા રહ્યા હતા. તેને ડિજિટાઈઝ કરીને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. 

ભારતીય મૂળના કેટલાક બ્રિટિશ પરિવારોએ રેકોર્ડમાં નોંધાયેલા સૈનિકો અને તેમના પિતા, ગામ અને રેજિમેન્ટના નામો દ્વારા પોતાના પૂર્વજોની ઓળખ મેળવી છે. તે સૈનિકો આરબ દેશો, પૂર્વીય આફ્રિકા, ગૈલીપોલી વગેરે ખાતેના યુદ્ધોમાં સામેલ થયા હતા. કેટલાય પરિવારોએ તેમની 100-100 વર્ષ જૂની તસવીરો અને તેમના દિલચસ્પ કિસ્સાઓ પણ શેર કર્યા હતા. બ્રિટિશ અને આયરિશ સૈનિકોના વંશજો આ જ રીતે રેકોર્ડ દ્વારા પોતાના પૂર્વજોને શોધતા આવ્યા છે. 

અનેક ગામોના 40 ટકા લોકો સૈનિકો બન્યા

દસ્તાવેજોને ડિજિટાઈઝ કરી રહેલા યુકે પંજાબ હેરિટેજ અસોસિએશનના અધ્યક્ષ અમનદીપ માડ્રાએ જણાવ્યું કે, અનેક ગામોમાંથી 40-40 ટકા લોકોએ પોતાનું નામ સેનામાં નોંધાવ્યું હતું. આશરે 45 હજાર રેકોર્ડ તો ફક્ત જાલંધર, લુધિયાણા અને સિયાલકોટ (હાલ પાકિસ્તાન)ના જ સૈનિકોના છે.

26 હજાર પૃષ્ઠોનો રેકોર્ડ

આ રેકોર્ડ્સને પંજાબ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ 1919માં તૈયાર કરાવ્યો હતો. તેમાં 26,000 પૃષ્ઠ છે જેમાંથી કેટલાક પર છાપકામ અને કેટલાક પર હસ્તલેખ દ્વારા નામ અને બાકીની જાણકારીઓ નોંધાયેલી છે. એક અનુમાન પ્રમાણે અવિભાજિત ભારતના પંજાબ અને આસપાસના ક્ષેત્રોના આશરે 25 જિલ્લાઓના 2.75 લાખ સૈનિકોના નામોનું ડિજિટાઈઝેશન ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. 

યોગદાન ભૂલી ચુક્યા હતા અંગ્રેજો

- પ્રથમ વિશ્વ યુદ્ધ પર બનેલી ફિલ્મ 1917માં શીખ સૈનિકો જોવા મળ્યા તેને અંગ્રેજ અભિનેતા લોરેન્સ ફોક્સે અજીબ ગણાવ્યું હતું. જોકે બાદમાં માફી પણ માગી હતી. 

- બ્રિટિશ ભારતીય ફોજમાં આશરે 1.30 લાખ શીખ સૈનિકો પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડ્યા હોવાનું કહેવામાં આવે છે અને નવા સંશોધન બાદ આ આંકડો વધુ મોટો થઈ શકે છે. 

- અનુમાન પ્રમાણે અંગ્રેજ સેનાનો છઠ્ઠો હિસ્સો ભારતીય હિંદુ, શીખ અને મુસલમાનો હતા. મોટા ભાગના પંજાબના તમામ ધર્મોના લોકો હતા.