×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાયકાના શેરોનું ધમાકેદાર લિસ્ટિંગ : માર્કેટકેપ રૂ. 1 લાખ કરોડ


- ફાલ્ગુની નાયરની કંપનીના રૂ. 1125 ના ભાવે ઇસ્યુ કરેલા શેરનું 80 ટકા પ્રીમિયમે રૂ.2001ના ભાવે લિસ્ટિંગ

- નાયકામાં ફાલ્ગુની નાયર પાસે 50 ટકા જેટલું હોલ્ડિંગ, જેનું મૂલ્ય 6.5 અબજ ડોલર : કંપનીની આવક ગત નાણાકીય વર્ષમાં વધીને રૂ.2441 કરોડ અને નફો રૂ.61.9 કરોડ થયા હતા

અમદાવાદ : ભારતના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓમાં રોકાણ કરનારાઓને છેલ્લા કેટલાક સમયથી અઢળક વળતર વિવિધ કંપનીઓના શેરોમાં છૂટી રહ્યું છે. જેમાં આજે નાયકા તરીકે ઓળખાતી કંપની એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના શેરોના થયેલા ધમાકેદાર લિસ્ટિંગમાં પ્રથમ દિવસે જ ઈસ્યુમાં શેરોનું એલોટમેન્ટ મેળનારા નસીબદાર રોકાણકારોને ૭૯ ટકાનું એટલે કે શેર દીઠ રૂ.૮૭૬ જેટલું જંગી વળતર લિસ્ટિંગ સાથે મળ્યું છે. 

નાયકા અને નાયકા ફેશન બ્રાન્ડને ઓપરેટ કરતી FSN ઇ-કોમર્સ વેન્ચર્સ કંપનીના શેરોનું મુંબઇ શેરબજાર ખાતે ૭૯ ટકાના ઊંચા પ્રિમિયમથી લિસ્ટિંગ થયા બાદ કામકાજના પ્રારંભિક તબક્કામાં જ આ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશને રૂ. ૧ લાખ કરોડનો વિક્રમ હાંસલ કરી લીધો હતો. આમ, લિસ્ટિંગની સાથે જ આ કંપની માર્કેટકેપ.ની દ્રષ્ટિએ તેની સમકક્ષ કંપનીઓથી આગળ નીકળી જવા પામી હતી.

કંપનીના ઈસ્યુ ભાવ રૂ.૧૧૨૫ સામે આજે બીએસઈ પર આ શેર રૂ.૨૦૦૧ ભાવે અને એનએસઈ પર રૂ.૨૦૧૮ ભાવે લિસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ આઈપીઓ-ભરણું ૮૧.૭૮ ગણું જંગી છલકાયું હતું. કંપનીનો  શેર આજે બીએસઈ પર રૂ.૨૦૦૧ ખુલીને ઉપરમાં રૂ.૨૨૪૮.૧૦ અને નીચામાં રૂ.૧૯૯૪.૧૦ થઈ અંતે રૂ.૧૦૮૧.૭૦ એટલે કે ૯૬.૧૫ ટકા વધીને રૂ.૨૨૦૬.૭૦ બંધ રહ્યો હતો. નાયકાનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે બજાર બંધ થવા સમયે રૂ.૧,૦૪,૩૬૦.૮૫ કરોડ પહોંચ્યું હતું. 

કંપનીના શેરનો ભાવ ઊંચકાવાની સાથે જ કામકાજના પ્રારંભે જ નાયકાના શેરના માર્કેટ કેપે રૂ. ૧ લાખ કરોડની સપાટી કુદાવી બીએસઇ પર લિસ્ટેડ ટોચની ૬૦ મોસ્ટ વૅલ્યુએબલ કંપનીની હરોળમાં પ્રવેશી ગઇ હતી. સવારે ૧૦ વાગે આ કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧.૦૩ લાખ કરોડ થતા તે યાદીમાં ૫૫ ક્રમાંકે આવી ગઇ હતી. આજે કામકાજના અંતે તેનું માર્કેટકેપ રૂ. ૧.૦૪ લાખ કરોડ રહ્યું હતું. આજે સવારે આ કંપનીના શેરનું ૭૮ ટકાના ઊંચા પ્રિમિયમથી લિસ્ટિંગ થતા તેનું માર્કેટ કેપ. રૂ. ૯૭,૬૯૨ કરોડની સપાટીએ હતું. જે બજાર પર લિસ્ટેડ તેની સમકક્ષ કંપનીઓ કરતા ઊંચું હતું. જેના ડેટા અત્રે રજૂ કર્યા છે. આ કંપનીઓમાં હિરોમોટો, તાતા પાવર, તાતા કન્ઝ્યુમર, ડો. રેડ્ડી લેબો. સિપ્લા, મેરીકો, ગોદરેજ પ્રોપર્ટી અને આઈઆરસીટીસી સહિતની અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

નાયકા કંપનીના સ્થાપક અને ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયર પણ ભારતના સ્વબળે સૌથી શ્રીમંત મહિલા-સેલ્ફ મેઈડ મહિલા અબજોપતિ બન્યા છે. જે કંપનીનું રૂ.એક લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ભારતના બીજા મહિલા અબજોપતિ બનવાની સિદ્વિ હાંસલ કરી છે.

 નાયકાના લિસ્ટિંગ પહેલા ફાલ્ગુની નાયરે જણાવ્યું હતું કે મેં ૫૦ વર્ષની ઉંમરે નાયકાની વર્ષ ૨૦૧૨માં શરૂઆત કરી હતી. એક રીપોર્ટ પ્રમાણે કંપનીમાં ફાલ્ગુની નાયર પાસે ૫૦ ટકા જેટલું હોલ્ડિંગ છે. જેનું મૂલ્ય ૬.૫ અબજ ડોલર જેટલું થાય છે. કંપનીની આવક  વધીને ગત નાણાકીય વર્ષમાં રૂ.૨૪૪૧ કરોડ અને નફો રૂ.૬૧.૯ કરોડ થયા છે.

૨૦૧૨માં શરૂ થયેલી સ્ટાર્ટઅપ કંપની નાયકા દેશભરમાં જાણીતી બ્રાન્ડ

FSN ઇ-કોમર્સ વેન્ચર્સ કંપની નાયકા બ્રાન્ડથી ઑનલાઇન માર્કેટ પ્લેટફોર્મ થકી બ્યુટી/ કોસ્મેટિક, ફેશન અને વેલનેસ પ્રોડક્ટસનું રીટેલ વેચાણ કરે છે. નાયકાના પ્લેટફોર્મ પર ૧૨૦૦થી વધુ વૈશ્વિક બ્રાન્ડ તેમજ કંપનીની પોતાની બ્રાન્ડ નાયકા કોસ્મેટિક અને નાયકા નેચરલ્સના નામે વેચાણ થાય છે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી દેશમાં ૫.૫૮ કરોડ લોકોએ નાયકાની મોબાઇલ એપ ડાઉનલોડ કરેલી છે.

૨૦૧૨માં શરૂ થયેલ આ સ્ટાર્ટઅપ આઇપીઓ થકી એકત્ર થયેલ ભંડોળમાંથી નવા રીટેલ સ્ટોર તેમજ વેરહાઉસ ઉભા કરશે. તેમજ દેવાનો બોજ હળવો કરવા પણ આ ભંડોળનો ઉપયોગ કરાશે.

કોસ્મેટિક્સ અને વેલનેસ પ્રોડક્ટનું વેચાણ કરતી કંપની

નાયકાની સમકક્ષ કંપનીઓનું Mcap

કંપની

માર્કેટ કેપ

-

(રૃ. કરોડમાં)

L & T ટેકનોલોજી

૫૩૬૬૨.૦૮

હિરો મોટો

૫૪૨૪૧.૧૩

HDFC એસેટ

૫૭૦૦૬.૯૧

ગોદરેજ પ્રોપર્ટી

૬૭૨૫૭.૬૫

IRCTC

૬૮૪૮૪.૦૦

મેરીકો

૭૨૯૩૦.૧૯

સિપ્લા

૭૩૭૩૪.૮૮

આઈશર મોટર્સ

૭૪૪૮૮.૧

તાતા કન્ઝ્યુ. પ્રોડ.

૭૭૧૧૦.૮૪

તાતા પાવર

૭૭૩૨૭.૨૨

માઇન્ડ ટ્રી

૭૯૩૮૦.૧૩

ડો. રેડ્ડી લેબો.

૭૯૭૨૪.૭


ફાલ્ગુની નાયર : આપબળે અબજોપતિ બનેલાં દેશના બીજા મહિલા

નાયકા બ્રાન્ડને પ્રમોટ કરનાર FSN ઇ-કોમર્સ વેન્ચર કંપનીની ફાઉન્ડર ફાલ્ગુની નાયર કંપનીના શેરોના લિસ્ટિંગની સાથે જ આપબળે મહિલા અબજોપતિ તરીકે ઉભરી આવી છે. આ શેરના લિસ્ટિંગ પછી તેમની સંપત્તિ ૬.૫ અબજ ડોલર પહોંચી છે. આમ તેમણે ભારતના બીજા મહિલા અબજોપતિ બનવાની સિદ્વિ હાંસલ કરી છે.

મહિલા અબજોપતિની યાદીમાં નાયરના પ્રવેશ સાથે હવે આ ક્લબમાં પાંચ મહિલાનો સમાવેશ થયો છે. આ યાદી પર નજર કરીએ તો,

નામ

કંપની

નેટવર્થ

સાવિત્રી જિન્દાલ

ઓ.પી.જિન્દાલ

૧૭.૭

ફાલ્ગુની નાયર

FSN ઇકોમર્સ

૬.૫

લીના તિવારી

USV પ્રા. લી.

૪.૪

કિરણ મજમૂદાર

બાયોકોન

૩.૬

સ્મીતા ક્રિશ્ના

ગોદરેજ

૨.૮

(નોંધ : નેટવર્થના આંકડા અબજ ડોલરમાં)