×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Covaxin અને Covishield ને 96 દેશોએ માન્યતા આપી, દેશમાં 109 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં


નવી દિલ્હી, તા.9 નવેમ્બર 2021, મંગળવાર

કોરોના વાઇરસની સામે નાગરિકોને રક્ષણ પુરૂ પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સ્વદેશી કો-વેક્સિન છે જેને હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી છે. જ્યારે બીજી રસી કોવિશીલ્ડ છે જેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનિકા અને ભારતની સીરમ ઇન્સ્ટીટ્યુટે સાથે મળીને બનાવી છે. અત્યાર સુધી આ બંને રસીને દુનિયાભરના 96 દેશે માન્યતા આપી છે.

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે WHOએ અત્યાર સુધીમાં 8 રસીને EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં સમાવેશ કર્યો છે. આપણને ખુશી છે કે તેમાથી બે રસી ભારતીય છે- કોવેક્સિન અને કોવિશીલ્ડ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે.

દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ‘હર ઘર દસ્તક’ હેઠળ આરોગ્ય કર્મચારીઓ રસીકરણ અભિયાનને અંજામ આપવા માટે તમામ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે. 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. તમે CoWIN એપ્લિકેશન દ્વારા સૂચિ તપાસી શકો છો.

WHOની મંજૂરી મળ્યા પછી હવે કોવેક્સિન લઇ ચુકેલા લોકો કોઇ પણ અડચણ વગર વિદેશ પ્રવાસે જઇ શકશે. કોવેક્સિન સિવાય WHO દ્વારા અત્યાર સુધી જે રસીઓ મંજૂર કરવામાં આવી છે તેમાં ફાઇઝર/બાયોએનટેકની કોમિરનેટી, એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડ, જોન્સન એન્ડ જોન્સનની રસી, મોડર્નાની એમઆરએનએ-1273, સિનોફાર્માની બીબીઆઈબીપી-કોરવી અને સિનોવાકની કોરોનાવેકનો સમાવેશ થાય છે.