×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકોએ 1.25 લાખ કરોડની ખરીદી કરી ધામધૂમથી દિવાળી ઉજવી


- એક જ દિવસમાં ખરીદીનો નવો રેકોર્ડ સર્જાયો : છેલ્લા એક દાયકાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ

- વ્યાપક ઘરાકીથી વેપારજગતમાં ઉત્સાહની લાગણી: હવે લગ્નસરાની મોસમ પર નજર

મુંબઈ : કોરોનાને કારણે ૨૦૨૦ની દિવાળી ફિક્કી રહ્યા બાદ વર્તમાન વર્ષ એટલે કે ૨૦૨૧ની દિવાળી વેપારજગત માટે પ્રોત્સાહક રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે.  વર્તમાન વર્ષની દિવાળીમાં દેશમાં રૂપિયા ૧.૨૫ ટ્રિલિયન (રૂ.૧.૨૫ લાખ કરોડ)નો વેપાર થયો હોવાનું કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) દ્વારા જણાવાયું હતું. આ વર્ષના દિવાળીનું વેચાણ છેલ્લા દસ વર્ષનું વિક્રમી વેચાણ રહ્યાનો પણ દાવો કરાયોછે. 

૨૦૨૦માં કોરોનાને કારણે લોકડાઉન સહિતના પ્રતિબંધોને કારણે દિવાળીની ઘરાકી ધોવાઈ ગઈ હતી.  સાત કરોડ ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરતા કેઈટે જણાવ્યું હતું કે, દિવાળીના જંગી વેચાણથી આર્થિક મંદી પૂરી થયેલી જણાય છે, જે છેલ્લા દોઢ વર્ષથી વેપારજગત માટે પડકારરૂપ બની રહી હતી. 

ટ્રેડરોની અપેક્ષા હવે લગ્નસરાની મોસમની ઘરાકી રહેલી છે. દેશમાં આ વર્ષે લગ્નસરાની મોસમ ૧૪ નવેમ્બરથી શરૂ થઈ રહી છે. વર્તમાન વર્ષની દિવાળીમાં દેશભરમાં રૂપિયા ૧.૨૫ લાખ કરોડનો વેપાર થયો છે, જે છેલ્લા એક દાયકાનો  સૌથી વધુ છે એમ કેઈટના પ્રમુખ બીસી ભારતિયાએ જણાવ્યું હતું.  એકલા દિલ્હીમાં રૂપિયા ૨૫૦૦૦ કરોડનો વેપાર થયાનું તેમણે એક યાદીમાં જણાવ્યું હતું. આ વર્ષે લોકોએ ચીનના માલને બદલે ભારતીય પ્રોડકટસને વધુ પસંદ કર્યા છે, જેને કારણે ચીનના નિકાસકારનો રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો ફટકો પડયાનો અંદાજ છે.  દિવાળીમાં વપરાતી ચીજવસ્તુઓ ઉપરાંત ડ્રાયફ્રુટસ, કપડાં, ઘડિયાળ, મીઠાઈ, જ્વેલરી વગેરેની નોંધપાત્ર માગ નીકળી હતી એમ પણ તેમણે ઉમેર્યું હતું.