×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPના આ ગામમાં અનેક બોરવેલમાંથી નીકળી રહ્યો છે જ્વલનશીલ ગેસ, પ્રશાસને ગ્રામજનોને આપી ચેતવણી


- લોકોને જે બોરમાંથી ગેસ ગળતર થતું હોય તેનાથી 10 ફૂટ દૂર રહેવા અને બોરની નજીક કોઈ પણ જ્વલનશીલ વસ્તુ ન લઈ જવાની સૂચના આપી

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

વિચારો કે, જો તમે પાણી માટે બોરિંગ કરાવી રહ્યા હોવ અને તેમાંથી પાણીના બદલે ગેસ નીકળે તો શું થાય. મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલા ઝુમટા ગામ ખાતેથી આવી એક અનોખી ઘટના સામે આવી છે. ત્યાં બોરવેલમાંથી જ્વલનશીલ ગેસનું ગળતર થઈ રહ્યું છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ભારે ભય વ્યાપેલો છે. ગેસ ગળતર અંગેની સૂચના મળતા જ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બોરવેલ પાસે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને ત્યાંથી દૂર રહેવાની પણ સૂચના આપી દેવાઈ છે. 

પન્નાના કલેક્ટર સંજય કુમાર મિશ્રે ગેસ ગળતરની તપાસ માટે તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ (ઓએનજીસી)ના વૈજ્ઞાનિકોના એક વિશેષ દળને બોલાવ્યું છે. 

આશરે 15 દિવસ પહેલા ઝુમટાના સરકારી વિદ્યાલય પરિસર ખાતે પાણી માટે બોરવેલ કરાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ્વલનશીલ ગેસનું ગળતર થવાના કારણે આગ લાગી ગઈ હતી. પ્રશાસને ફાયર વિભાગની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યાર બાદ દેહરાદુનથી નિષ્ણાંતોની એક ટીમ બોલાવવામાં આવી હતી. નિષ્ણાંતોની ટીમે ગેસ અને પાણીનું પરીક્ષણ કરીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોરમાં એક મોટી ચીમની લગાવી છે. 

આ ઘટના બાદ 2-3 દિવસ પહેલા ગામના અન્ય કેટલાય બોરવેલમાંથી પણ ગેસ ગળતરની સૂચના મળવા લાગી. ત્યાર બાદ પન્નાના કલેક્ટર સંજય મિશ્રા અને પોલીસ કમિશ્નર ધર્મરાજ મીણા ગામમાં પહોંચ્યા હતા. તેમણે લોકોને સાવધાની વર્તવાની સૂચના આપી હતી. લોકોને જે બોરમાંથી ગેસ ગળતર થતું હોય તેનાથી 10 ફૂટ દૂર રહેવા અને બોરની નજીક કોઈ પણ જ્વલનશીલ વસ્તુ ન લઈ જવાની સૂચના આપી હતી.