×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક વિરૂદ્ધ દાખલ કર્યો માનહાનિ કેસ, કહ્યું- ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચી


ધ્યાનદેવે નવાબ મલિક સામે 1.25 કરોડ રૂપિયાનો માનહાનિ દાવો માંડ્યો છે અને સોમવારે આ મામલે સુનાવણી થશે

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક ડ્રગ્સ કેસ મામલે સતત એનસીબી, સમીર વાનખેડે અને તેમના પરિવારજનો પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે હવે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડ્યો છે. 

સમીર વાનખેડે મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર છે અને આર્યન ખાન, નવાબ મલિકના જમાઈ સમીર ખાન સહિત બોલિવુડ સાથે સંકળાયેલા તમામ કેસોમાં તપાસ અધિકારી હતા. જોકે, તાજેતરમાં જ આર્યન ખાન સહિતના 6 કેસ તેમના પાસેથી પાછા લઈ લેવામાં આવ્યા છે. 

વાનખેડેના વકીલ અર્શદ શેખે જણાવ્યું કે, મલિક વાનખેડેના પરિવારને ફ્રોડ કહી રહ્યા છે અને તેમના ધર્મ પર સવાલ ઉઠાવીને તેઓ હિંદુ નથી એમ કહી રહ્યા છે. મલિક દરરોજ સમગ્ર પરિવારને ફ્રોડ કહે છે અને તેમની દીકરી યાસ્મીનની કરિયરને પણ બરબાદ કરી રહ્યા છે, જે ક્રિમિનલ લોયર છે અને નાર્કોટિક્સ કેસમાં વકીલાત નથી કરતી. 

માનહાનિ કેસમાં કહેવામાં આવ્યું છે કે, મલિકે પૂર્વગ્રહથી પ્રેરાઈને વાદી અને તેના પરિવારના સદસ્યોનું નામ, ચરિત્ર, પ્રતિષ્ઠા અને સામાજીક છબિને અપૂરણીય ક્ષતિ પહોંચાડી છે. ધ્યાનદેવની માગણી છે કે, મલિક, તેમની પાર્ટીના નેતાઓ અને અન્ય સૌને તેમના તથા તેમના પરિવાર વિરૂદ્ધ મીડિયામાં કશું પણ આપત્તિજનક, માનહાનિકારક સામગ્રી લખતા, બોલતા કે પ્રકાશિત કરતા અટકાવવામાં આવે. 

ધ્યાનદેવે વિનંતી કરી હતી કે, હાઈકોર્ટ એવું જાહેર કરે કે, મલિકના નિવેદનો, આરોપો ભલે લેખિત હોય કે મૌખિક, ભલે તે તેમના કે તેમના પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવ્યા હોય, તે પ્રકૃત્તિમાં અત્યાચારી અને માનહાનિકારક છે. એટલું જ નહીં,  ધ્યાનદેવે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત અન્ય જગ્યાઓ પરના ઈન્ટરવ્યુ અને નિવેદનો હટાવવાની માગણી પણ કરી હતી. 

ધ્યાનદેવે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, વાનખેડે પર નવાબ મલિકના આરોપો તેમના જમાઈની ડ્રગ્સ કેસમાં થયેલી ધરપકડ બાદ શરૂ થયા. સમીર ખાનને સપ્ટેમ્બર મહિનામાં જામીન મળ્યા. ત્યાર બાદ મલિક દરરોજ સોશિયલ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મુદ્દે વાનખેડેને ઘેરી રહ્યા છે. ધ્યાનદેવે નવાબ મલિક સામે 1.25 કરોડ રૂપિયાનો માનહાનિ દાવો માંડ્યો છે અને સોમવારે આ મામલે સુનાવણી થશે.