×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્યન કેસમાં વધુ એક ટ્વિસ્ટ, BJP નેતાએ સુનીલ પાટિલને ગણાવ્યો માસ્ટરમાઈન્ડ, NCP સાથે કનેક્શન


- કંબોજે કહ્યું કે, આ કેસમાં ભાજપ અને ભાજપના કોઈ જ નેતાનો સંબંધ નથી, આ સમગ્ર ષડયંત્ર ભાજપને બદનામ કરવા માટે રચવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર, 2021, શનિવાર

ક્રૂઝ ડ્રગ્સ કેસ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના એક બીજેપી નેતા મોહિત કંબોજે અનેક ચોંકાવનારા દાવાઓ કર્યા છે. મોહિત કંબોજના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસનો માસ્ટરમાઈન્ડ સુનીલ પાટિલ છે જે એનસીપી સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં, કંબોજે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં એક મંત્રી આ સમગ્ર સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. 

ડ્રગ્સ કેસ મામલે એનસીબી અને સમીર વાનખેડે પર સતત નિશાન તાકી રહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક પર આ પલટવાર હોવાનું માનવામાં આવે છે. નવાબ મલિકે આ મામલે મોહિત કંબોજ પર પણ આરોપો લગાવ્યા હતા. મોહિતે જણાવ્યું કે, 'દેશમાં 2 ઓક્ટોબર બાદ એક વિવાદિત આર્યન ખાન ડ્રગ્સ કેસ ચર્ચામાં છે. મહારાષ્ટ્ર સરકારના એક દિગ્ગજ મંત્રીએ આરોપો લગાવ્યા. આ મામલે નવાબ મલિકે 6 ઓક્ટોબરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે આમાં સામેલ છે. પરંતુ હું આ મામલે સત્ય સામે લાવી રહ્યો છું.'

મોહિતે કિરણ ગોસાવીનો આર્યન ખાન સાથેનો ફોટો દેખાડ્યો હતો. તેમણે કહ્યું કે, આ ફોટો બધાએ જોયો હશે. ભાજપને એવું કહીને આ કેસમાં ખેંચવામાં આવે છે કે, કિરણ ગોસાવી ભાજપનો કાર્યકર છે. કંબોજે જણાવ્યું કે, આ કેસમાં સુનીલ પાટિલ માસ્ટરમાઈન્ડ છે. તે ધુલેનો રહેવાસી છે અને 20 વર્ષથી એનસીપી સાથે સંકળાયેલો છે. 

કંબોજે આરોપ લગાવ્યો કે, સુનીલ પાટિલ અનિલ દેશમુખના દીકરા ઋષિકેશ દેશમુખનો મિત્ર છે. સુનીલ પાટિલ 1999થી 2014 સુધી મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રાલય સાથે મળીને પોસ્ટિંગમાં ટ્રાન્સફરનું રેકેટ ચલાવી રહ્યો હતો. જ્યારથી રાજ્યમાં સરકાર બદલાઈ તે ફરી એક્ટિવ થઈ ગયો. 

તેમણે જણાવ્યું કે, સુનીલ પાટિલે 1 ઓક્ટોબરના રોજ સેમ ડિસોઝાને ફોન કરીને એનસીબી અધિકારીનો સંપર્ક કરવા કહ્યું. 2 ઓક્ટોબરના રોજ સેમ ડિસોઝાને કહ્યું કે, કિરણ ગોસાવી એનસીબી સાથે વાત કરશે. કંબોજે સવાલ કર્યો હતો કે, એનસીપી નેતાને આ ડ્રગ્સ પાર્ટી અંગે કઈ રીતે ખબર પડી. 

કંબોજે સુનીલ પાટિલની એક કથિત ઓડિયો ક્લિપ સંભળાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, તેમાં સુનીલ પાટિલનું નામ છે, જે વર્તમાન અને પૂર્વ ગૃહ મંત્રીનું નામ લઈ રહ્યો છે. તે કહી રહ્યો છે કે, કઈ રીતે તેણે કામ કર્યું. સુનીલ પાટિલ સિન્ડિકેટ ચલાવી રહ્યો છે. 

કંબોજે કહ્યું કે, આ કેસમાં ભાજપ અને ભાજપના કોઈ જ નેતાનો સંબંધ નથી. આ સમગ્ર ષડયંત્ર ભાજપને બદનામ કરવા માટે રચવામાં આવ્યું છે. એનસીપીએ પોતાના સુનીલ પાટિલના સંબંધો અંગે કહેવું જોઈએ. સુનીલ પાટિલ એક મોટી હોટેલમાં રોકાયો હતો, ત્યાં કયા એનસીપી નેતા હતા જે તેને મળવા ગયા હતા. નવાબ મલિકે જવાબ આપવો જોઈએ. જાન્યુઆરીમાં એનસીબીએ ડ્રગ પેડલર ચિંકુ પઠાણની ધરપકડ કરી હતી જે દાઉદનો માણસ છે. તેના પાસેથી હથિયાર અને પૈસા પણ મળી આવ્યા હતા. ચિંકુ પઠાણ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્યાં તેમને મળવા પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ ગયા હતા. ત્યાં એક મંત્રીનો જમાઈ પણ હાજર હતો. ત્યાં સુનીલ પાટિલ પણ હતો.

કંબોજે કહ્યું કે, કિરણ ગોસાવી કસ્ટડીમાં છે અને તેનું નિવેદન સામે નથી આવ્યું. નવાબ મલિકે સુનીલ પાટિલ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કરવો જોઈએ. તે ક્યાં છે એ ફક્ત મહારાષ્ટ્ર સરકારને જ ખબર છે. મલિકને મંત્રી રહેવાનો કોઈ જ અધિકાર નથી. કંબોજે આરોપ લગાવ્યો હતો કે, નવાબ મલિક તેમના વિરૂદ્ધ ખોટો કેસ લગાવી શકે છે. તેમણે પોતાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તેમ પણ કહ્યું હતું. 

મોહિત કંબોજે કરેલા દાવા બાદ તરત જ નવાબ મલિકે ટ્વિટ કરી હતી. મલિકે લખ્યું હતું કે, સમીર દાઉદ વાનખેડેની પ્રાઈવેટ આર્મીના એક સદસ્યે ગુમરાહ કરવા અને સત્યથી ધ્યાન ભટકાવવા માટે હાલ પ્રેસ કોન્ફરન્સ કરી છે. હું કાલે સત્યનો ખુલાસો કરીશ.