×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેદારનાથઃ વડાપ્રધાને કહ્યું- પહાડનું પાણી અને જવાની હવે પહાડના કામ આવશે


- વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ દિલ્હીથી સતત ડ્રોન ફુટેજ દ્વારા કેદારનાથમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર નજર રાખી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 05 નવેમ્બર, 2021, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના દર્શન માટે પહોંચ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યા બાદ તેમણે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાના સંબોધન દરમિયાન 5 વર્ષમાં કેદારનાથમાં સેંકડો રૂપિયાના કાર્ય થયા હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, બદ્રીનાથ ધામ માટે 245 કરોડ રૂપિયાની ધનરાશિ તમારા (વડાપ્રધાન મોદી) દ્વારા સ્વીકૃત થઈ છે. ગંગોત્રી અને યમુનોત્રી માટે પણ કરોડો રૂપિયાના કાર્ય સ્વીકૃત થઈ ગયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને કેદારનાથ મંદિરનું સ્મૃતિ ચિહ્ન પણ આપ્યું હતું. 

વડાપ્રધાન મોદીએ 'જય બાબા કેદાર'ના ઉદ્ઘોષ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણો દેશ તો એટલો વિશાળ છે, એટલી મહાન ઋષિ પરંપરાઓ છે. આજે પણ ભારતના દરેક ખૂણામાં એક એકથી ચઢિયાતા તપસ્વીઓ આધ્યાત્મિક ચેતના જગવતા રહે છે. 

કેદારનાથ ખાતેની કુદરતી હોનારતને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અહીં થયેલું નુકસાન ખૂબ જ અકલ્પનીય હતું. અહીં આવનારા શ્રદ્ધાળુઓ વિચારતા હતા કે, આપણું કેદાર ધાર ફરી બેઠું થઈ શકશે. પરંતુ મારી અંદરનો અવાજ મને કહી રહ્યો હતો કે, તે પહેલા કરતા વધારે આન-બાન-શાન સાથે બેઠું થશે. ઈશ્વરની કૃપાથી આ વિકાસ કાર્ય થઈ શક્યું. 

વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ દિલ્હીથી સતત ડ્રોન ફુટેજ દ્વારા કેદારનાથમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર નજર રાખી રહ્યા હતા. વધુમાં એક કહેવત યાદ કરતા કહ્યું કે, 'એવું કહેવાય છે કે, પહાડનું પાણી, પહાડની જવાની કદી પહાડના કામ નથી આવતા. હવે પાણી પણ પહાડના કામ આવશે અને જવાની પણ પહાડના કામ આવશે. ઉત્તરાખંડમાંથી પલાયન રોકવાનું છે. આગામી દશકો ઉત્તરાખંડનો છે. અહીં પર્યટન વધશે.'