×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જવાનોના કારણે દેશવાસીઓ શાંતિથી ઊંઘી શકે છે: મોદી


- બદલાતા વિશ્વ સાથે ભારતે સૈન્ય ક્ષમતા વધારવી પડશે: પીએમ

- લદ્દાખથી અરૂણાચલની સરહદો સુધી કનેક્ટિવિટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર સતત કામ થઈ રહ્યું છે: સર્જિકલ સ્ટ્રાઈકમાં નૌશેરા સેક્ટરની બ્રિગેડની ભૂમિકા દેશ માટે ગૌરવરૂપ: પીએમ

નૌશેરા : હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીની ઊજવણી સરહદ પર જવાનો સાથે કરવાની પરંપરા જાળવી રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લાની સરહદે નૌશેરા સેક્ટરમાં જવાનોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે જવાનોની શુરવીરતાના કારણે દેશવાસીઓ શાંતીથી ઊંઘી શકે છે. નૌશેરા કાશ્મીર અને શ્રીનગરનું પહેરેદાર છે. તમે માતા ભારતીના સુરક્ષા કવચ છો. તેમણે શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકમાં અહીંની બ્રિગેડની ભૂમિકા દેશ માટે ગૌરવરૂપ છે.

દિવાળીના દિવસે નૌશેરામાં જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નૌશેરાનો ઈતિહાસ સૈન્યની વીરતાનો જયઘોષ કરે છે. નૌશેરામાં દરેક યુદ્ધ, દરેક કાવતરાંનો જવાબ સૈન્યે વીરતાથી આપ્યો છે. મેં વડાપ્રધાન બન્યા પછી દરેક દિવાળી આપણી સરહદોનું રક્ષણ કરતા જવાનો સાથે પસાર કરી છે. આજે હું મારી સાથે અહીં આપણા જવાનો માટે કરોડો ભારતીયોનો આશીર્વાદ લઈને આવ્યો છું. 

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આજે હું અહીંથી નવો ઉત્સાહ, નવો વિશ્વાસ, નવી ઊર્જા લઈને જઈશ. આજે સાંજે દિવાળીનો એક દીપક તમારી વીરતા, શૌર્ય, પરાક્રમ, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવાશે અને ભારતનો દરેક નાગરિક તે દીપકની જ્યોત સાથે અનેક શુભકામનાઓ પણ આપતો રહેશે. 

વડાપ્રધાને જણાવ્યું કે, બદલાતા વિશ્વ અને યુદ્ધની પદ્ધતિઓની સાથે ભારતે સૈન્ય ક્ષમતાઓમાં પણ વધારો કરવો પડશે અને લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ તથા જેસલમેરથી લઈને અંદામાન અને નિકોબાર સુધીની સરહદો પર જવાનો સાથે કનેક્ટિવિટી અને જવાનોની નિયુક્તિને વધારવા માટે સરહદો પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાઈ રહ્યું છે. અગાઉ સરહદીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કનેક્ટિવિટીની અછત હતી પરંતુ હવે આ વિસ્તારો રસ્તા અને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાઈ ગયા છે અને જવાનો માટે સુવિધા તેમજ ક્ષમતામાં વધારો થયો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અગાઉ દેશ સંરક્ષણ ક્ષેત્રે મોટાભાગે આયાતો પર નિર્ભર હતો, પરંતુ આ સરકારે સ્વદેશી ક્ષમતા વિકસાવવા પર ભાર આપ્યો છે. હવે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર યોજના હેઠળ ભારતમાં જ શસ્ત્રો અને હથિયારોના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે.