×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસે કહ્યું- પેટા ચૂંટણી હારતા જ મોદી સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, 2014 વાળો રેટ ક્યારે આવશે?


- આજે મોદી સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા ઘટાડીને બતાવી દીધું કે કોણ લૂંટી રહ્યું હતું?: પ્રમોદ તિવારી

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર, 2021, ગુરૂવાર

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ભારત સરકારે થોડી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પરનો ઉત્પાદન શુલ્ક ગુરૂવારથી 5 રૂપિયા અને 10 રૂપિયા ઘટી જશે. જોકે મોદી સરકારે જે કન્સેશન, છૂટછાટ આપવાની જાહેરાત કરી છે તે મુદ્દે કોંગ્રેસે આકરો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલે ટ્વિટ કરીને કહ્યું કે, આ વર્ષે પેટ્રોલ 28 રૂપિયા અને ડીઝલ 26 રૂપિયા મોંઘુ થયું છે. દેશમાં 14 બેઠકો પર પેટા ચૂંટણી હારવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના રેટ ક્રમશઃ 5 રૂપિયા અને 10 રૂપિયા ઘટાડવા તે પણ વડાપ્રધાનની દિવાળી ભેટ બની ગઈ છે? હે રામ! હદ છે. 

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ટેક્સજીવી મોદી સરકારને સબક શીખવવા માટે દેશવાસીઓને શુભેચ્છા. પ્રજાતંત્રમાં 'વોટની ચોટ' વડે ભાજપને સત્યનો અરીસો દેખાડી જ દીધો. યાદ કરો- મે 2014માં પેટ્રોલ 71.41 રૂપિયા અને ડીઝલ 55.49 રૂપિયાનું હતું. ત્યારે કાચા તેલની કિંમત 105.71 ડોલર પ્રતિ બેરલ હતી. આજે ક્રૂડ ઓઈલ 82 ડોલર પ્રતિ બેરલ છે. તેવામાં 2014ની સમાન કિંમતો ક્યારે થશે?

આ તરફ કોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું કે, પેટા ચૂંટણીના પરિણામો જોઈને ભાજપાને ઝાટકા વાગ્યા અને આજે પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટાડી દીધી. જે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે તેના પર સરકારને શરમ આવવી જોઈએ. અમે ફરી દોહરાવીએ છીએ કે, રાહત આપવી હોય તો પૂરી રાહત આપો. જ્યારે પ્રમોદ તિવારીએ કહ્યું કે, આજે મોદી સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા ઘટાડીને બતાવી દીધું કે કોણ લૂંટી રહ્યું હતું?