×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને Whoની મંજૂરી


- કોવેક્સિન વેક્સિનને ભારત બાયોટેકને વિક્સિત કરી છે

- દેશમાં કોરોનાના નવા 11,903 કેસ : વધુ 311ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,59,191

- છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 2567નો ઘટાડો 

- દેશમાં અપાયેલા વેક્સિનના ડોઝની સંખ્યા 107.59 કરોડને પાર

નવી દિલ્હી : એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવેક્સિનને ઇમરજન્સી વપરાશને મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓની સ્વતંત્ર એડવાઇઝરી કમિટીએ કોવેક્સિનને ઇયુએલ સ્ટેટસની ભલામણ કરતા ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

ડબ્લ્યુએચઓએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે ડબ્લ્યુએચઓએ ભારત બાયોટેક દ્વારા વિક્સિત કરવામાં આવેલી કાવેક્સિનને ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ(ઇયુએલ)ને મંજૂરી આપી છે. આ સાથે જ કોવિડ-૧૯ના રક્ષણ માટે વાપરવામાં આવતી વધુ એક વેક્સિનને ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

કોવેક્સિનને મંજૂરી આપવા બદલ ડબ્લ્યુએચઓનો આભાર માનતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.  ડબ્લ્યુએચઓના સાઉથ ઇસ્ટ એશિયાના રિજિયનલ ડાયરેક્ટર ડો. પૂનમ ખેતરપાલ સિંહે જણાવ્યું છે કે કોવિડ-૧૯ માટેની વેક્સિન કોવેક્સિનને મંજૂરી મળવા બદલ ભારતને અભિનંદન.

ઉલ્લેખનીય છે કે કોવેક્સિનન કોરોનાના લક્ષણો સામે ૭૭.૮ ટકા અસરકારક છે. તાજેતરમાં જી-૨૦ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. તેડરોસ એધાનોમને મળ્યા હતાં. 

આ દરમિયાન ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૯૦૩  નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૩,૦૮,૧૪૦ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૫૧,૨૦૯ થઇ છે. જે ૨૫૨ દિવસના સૌથી ઓછા કેસ છે. 

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૧૧  લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૫૯,૧૯૧ થઇ ગઇ છે. સળંગ ૨૫૬મા દિવસે કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ની નીચે રહ્યાં છે. જ્યારે સળંગ ૧૨૯મા દિવસે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની નીચે નોૅંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૨૫૬૭નો ઘટાડો થયો છે. 

 દૈનિક પોઝિટિવ રેટ ૧.૧૧ ટકા રહ્યો છે. જે છેલ્લા ૩૦ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૧૮ ટકા રહ્યો છે. જે છેલ્લા ૪૦  દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની સંખિયા ૧૦૭.૫૯ કરોડને પાર થઇ ગઇ છે. 

કોરોનાને કારણે અત્યાર સુધી કુલ ૪,૫૯,૧૯૧  લોકોનાં મોત થયા છે. જે પૈકી ૧,૪૦,૨૭૪ મોત મહારાષ્ટ્રમાં, ૩૮,૦૮૯ કર્ણાટકમાં, ૩૬,૧૫૭  તમિલનાડુમાં, ૩૨,૨૩૬ કેરળમાં, ૨૫,૦૯૧ દિલ્હીમાં, ૨૨,૯૦૧ ઉત્તર પ્રદેશમાં, ૧૯,૧૬૦ પશ્ચિમ બંગાળમાં થયા છે. આજે થયેલા ૩૧૧ મોત પૈકી ૧૮૭ કેરળમાં અને ૪૮ મોત મહારાષ્ટ્રમાં થયા છે.

કોવેક્સિનની એક્સપાયરી ડેટ વધારી 12 મહિના કરવાને મંજૂરી અપાઇ 

વેક્સિન નિર્માતા ભારત બાયોટેકે જણાવ્યું છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) એ વેક્સિનની એક્સપાયરી ડેટ વધારીને ૧૨ મહિના કરી છે. અગાઉ કોવેક્સિનની એક્સપાયરી ડેટ ૬ મહિના હતી જે વધારીને ૯ મહિના કરવામાં આવી હતી. ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે સીડીએસસીઓએ વેક્સિનની મેન્યુફેકચરિંગ તારીખથી ૧૨ મહિના સુધી વેક્સિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આજે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે.

રાજ્યો પાસે કોરોના વેક્સિનનો કુલ ૧૪.૬૮ કરોડનો સ્ટોક

કેન્દ્ર સરકારે વિના મૂલ્યે રાજ્યોને કોરોના વેક્સિનના કુલ ૧૧૪ કરોડથી વધુ ડોઝ આપ્યા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે રાજ્યો પાસે હજુ ૧૪.૬૮ કરોડ ડોઝનું બેલેન્સ છે એટલે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ૧૪.૬૮ કરોડ ડોઝ વણવપરાયેલા પડયા છે.મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે સરકાર કોવિડ-૧૯ વેક્સિનેશન અભિયાનને ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને વિના મૂલ્યે વેક્સિન ઉપલબ્ધ કરાવી રહી છે.