×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહામારીની મંદીને પાછળ છોડીને દેશ ફેસ્ટિવ મૂડમાં, ધનતેરસ પર વેચાયું 15 ટન સોનું


- ધનતેરસના રોજ દક્ષિણ ભારતમાં આશરે 2,000 કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર, 2021, બુધવાર

કોરોના મહામારીની ભયાનકતા ભૂલીને દેશ હવે સંપૂર્ણપણે તહેવારોના મૂડમાં આવી ગયો છે. આ વર્ષે ધનતેરસના રોજ 15 ટન સોનાના ઘરેણાં, બાર અને સિક્કાઓનું વેચાણ થયું છે. ધનતેરસના રોજ દેશભરમાં આશરે 7,500 કરોડ રૂપિયાનો બુલિયન કારોબાર થયો છે. 

કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. CAITના અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતમાં ધનતેરસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ કારણે આ દિવસે ઘરેણાંનું ખૂબ જ વેચાણ થયું. નવેમ્બર મધ્યથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો હોવાથી સોના અને ઘરેણાંના વેચાણમાં વધુ ઉછાળો જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે, સોનું ઓલ ટાઈમ હાઈ લેવલથી આશરે 8,000 રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે અને બજાર પર તેની અસર જોવા મળી. કોવિડ-19ના કેસ ખૂબ જ ઘટી ગયા હોવાના કારણે કન્ઝ્યુમરનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં સોનાની ડિમાન્ડમાં 50 ટકાનો શાનદાર વધારો થયો છે. કોરોના લોકડાઉન પૂરૂ થયું ત્યારથી સોનાનો કારોબાર વધી રહ્યો છે. 

કૈટના અહેવાલ પ્રમાણે ધનતેરસના રોજ દક્ષિણ ભારતમાં આશરે 2,000 કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું છે જ્યારે દિલ્હીમાં 1,000 કરોડ રૂપિયાનું, મહારાષ્ટ્રમાં આશરે 1,500 કરોડ રૂપિયાનું, ઉત્તર પ્રદેશમાં આશરે 600 કરોડનું વેચાણ થયું છે.