×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી પહોંચ્યા ગ્લાસગો, લેશે બોરિસ જોનસનની મુલાકાત, જાણો સમગ્ર કાર્યક્રમ


- મંગળવારે વડાપ્રધાન મોદી સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ઈઝરાયલ, નેપાળ, મલાવી, યુક્રેન, જાપાન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

નવી દિલ્હી, તા. 01 નવેમ્બર, 2021, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જળવાયુ પરિવર્તન મુદ્દે યોજાઈ રહેલી 26મી કોર્પોરેશન ઓફ પાર્ટીઝ (COP26)માં સહભાગી બનવા માટે ગ્લાસગો પહોંચી ગયા છે. તેઓ 1 અને 2 નવેમ્બરના રોજ ગ્લાસગોમાં રહેશે. આ દરમિયાન સોમવારે સાંજે તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વડાપ્રધાન મોદી ગ્લાસગોમાં ઉતર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ 'મોદી હૈ ભારત કા ગહના' ગીત દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. 

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) તરફથી યોજાઈ રહેલી 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP26) રવિવારથી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે શરૂ થઈ ગઈ છે અને 12મી નવેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં આશરે 200 દેશોના પ્રતિનિધિઓ સહભાગી બની રહ્યા છે અને તેમાં 2030 સુધીમાં ઉત્સર્જનમાં કાપ મુકવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે. 

વડાપ્રધાન મોદી આ સમિટને સંબોધિત પણ કરશે. રવિવારે યુકેમાં ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે જણાવ્યું કે, પીએમ મોદી ત્યાં કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અંતર્ગત 2 મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, COP26 એક બહુપક્ષીય કાર્યક્રમ હશે અને તે સિવયા પીએમ મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન વચ્ચે મુલાકાત પણ યોજાશે. આ બેઠકમાં 2030ના રોડમેપ અંગે પણ ચર્ચા થશે. મે મહિનામાં ભારત-યુકેએ 2030નો રોડમેપ લોન્ચ કર્યો હતો. 

સોમવારે સમિટના અંતમાં મહેમાનો માટે સ્કોટલેન્ડના મશહૂર કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી એન્ડ મ્યુઝિયમમાં રિસેપ્શન રાખવામાં આવશે. તેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. આ રિસેપ્શનમાં ક્વીન એલિઝાબેથ-2 સહિત શાહી પરિવારના સદસ્ય પ્રિન્સ ચાર્લ્સ, તેમના પત્ની કૈમિલા અને પ્રિન્સ વિલિયમ, તેમના પત્ની કેટ મિડલટન પણ સામેલ થશે. 

વડાપ્રધાનનું સોમવારનું શેડ્યુલ

- 3:30થી 4:00 વાગ્યા દરમિયાન ભારતીય સમુદાયના નેતાઓની મુલાકાત લેશે

- 5:30થી 6:30 વાગ્યા દરમિયાન COP26ના ઉદ્ઘાટન સત્રમાં સામેલ થશે

- 7:15થી 7:30 વાગ્યા દરમિયાન બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે બેઠક કરશે

- 8:00થી 10:00 વાગ્યા દરમિયાન સમિટમાં આવેલા નેતાઓની મુલાકાત લેશે

- આશરે 9:45 વાગ્યે પીએમ મોદીનું ભાષણ

- રાતે 11:30 વાગ્યે કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી એન્ડ મ્યુઝિયમમાં રિસેપ્શન

મંગળવારે વડાપ્રધાન મોદી સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ઈઝરાયલ, નેપાળ, મલાવી, યુક્રેન, જાપાન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સાથે જ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની પણ મુલાકાત લેશે.