×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે


ગાંધીનગર, તા. 31 ઓક્ટોબર 2021, શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 31મી ઓક્ટોબરના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ કેવડિયાના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. આ ઉપરાંત તેઓ પરેડ ગ્રાઉન્ડ પર પરેશમાં અમિત શાહ ભાગ લેશે. તેના પછી હેલિકોપ્ટર મારફતે આણંદ જવા રવાના થશે.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં આવતીકાલ 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાજલી અર્પી એકતા પરેડમા સહભાગી બનીને સલામી ઝીલશે.

ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ

- સવારે 7:55 વાગ્યે- સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત

- સવારે 8 વાગ્યે – પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ

- બપોરે 11:30 વાગ્યે- હેલિકોપ્ટરથી આણંદ જવા રવાના

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે.

વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી છે તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી થશે.

રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની 36 ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લેશે.