×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટિકરી બોર્ડર થવા લાગી ખાલી, ખેડૂતોની સહમતિ બાદ પોલીસે હટાવ્યા બેરિકેડ્સ


- કોર્ટમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનોના વકીલે કહ્યું હતું કે, રસ્તો પોલીસે બંધ કર્યો છે અમે નહીં

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર

ટિકરી બોર્ડર પર ગુરૂવારે આખો દિવસ હલચલ જોવા મળી હતી. જાણવા મળ્યા મુજબ મોડી સાંજે ખેડૂતોની સહમતિ બાદ ટિકરી બોર્ડર પર રોહતક જતા એક હિસ્સાને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. આના પહેલા દિલ્હી પોલીસે 10 મહિના પહેલા જે મોટા મોટા ટ્રાલા અને મજબૂત ડિવાઈડર બનાવેલા જેથી ખેડૂતો દિલ્હી તરફ ન આવી શકે તેમાંથી કેટલાકને ધીમે-ધીમે કરીને હટાવવામાં આવ્યા હતા. 

સવારથી લઈને સાંજ સુધીમાં રસ્તા પર રાખવામાં આવેલા આ ડિવાઈડરના કેટલાક હિસ્સા હટાવી લેવામાં આવ્યા છે. આ કારણે એવી આશા જણાઈ રહી છે કે, દિલ્હીથી બહાદુરગઢ તરફ જતા આ રસ્તાને સામાન્ય જનતા માટે જલ્દી જ ખુલ્લો કરવામાં આવી શકે છે. 

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, ખેડૂતો રસ્તા જામ કરીને આંદોલન ન રાખી શકે. ગુરૂવારે દિલ્હી-બહાદુરગઢ રૂટ પરના હળવા ડિવાઈડર્સ દૂર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કોન્ક્રિટને હજુ સુધી નથી હટાવાયા. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ટિકરી બોર્ડર (દિલ્હી-હરિયાણા) અને ગાઝીપુર બોર્ડર (દિલ્હી-યુપી) પરના ઈમરજન્સી માર્ગ ખોલવાની યોજના છે. ખેડૂતોની સહમતિ બાદ સરહદો પરના બેરિકેડ્સ હટાવી લેવામાં આવશે. 

ગત 21 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને પગલે બંધ રસ્તાઓ ખોલાવવાને લઈ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થઈ હતી. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું કે, વિરોધ પ્રદર્શન ખેડૂતોનો અધિકાર છે પરંતુ રસ્તાઓને અવરૂદ્ધ ન કરી શકાય અને આ મામલે કોઈ જ સંદેહ ન હોવો જોઈએ. આ મામલે ખેડૂત સંગઠનોના વકીલે કહ્યું હતું કે, રસ્તો પોલીસે બંધ કર્યો છે અમે નહીં.