×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી યુ.એ.ઇ.માં ટી-20 વર્લ્ડ કપની જમાવટ : 12 ટીમ વચ્ચે જંગ


ભારત 'મિશન વર્લ્ડ કપ'નો પ્રારંભ કાલે પાકિસ્તાન સામેની મેચથી કરશે

આજે બપોરે 3.30થી ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાની મેચથી પ્રારંભ : બીજી મેચમાં 7.30થી ઇંગ્લેન્ડ-વિન્ડિઝ ટકરાશે : 14 નવેમ્બરે ફાઈનલ મુકાબલો

દુબઈ : હજુ આઈપીએલની ફાઈનલ ગત15 ઓક્ટોબરે જ યુએઇમાં રમાઈ હતી ત્યારે તેના આઠ દિવસ પછી ટી-20 વર્લ્ડ કપનો યુએઇમાં જ આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે.

આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30થી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અને સાંજે 7.30થી ઇંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇંડિઝ સામેની મેચ સાથે ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

ભારત તેના મિશન વર્લ્ડ કપની પ્રથમ મેચ રવિવારે 24 ઓક્ટોબરે રમશે. ભારતે તેના ગુ્રપ 2માં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબીયા સામે રમવાનું છે. ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ 10 અને 11 નવેમ્બરે છે જ્યારે ફાઈનલ 14 નવેમ્બરે યોજાશે.

12 ટીમો પૈકી ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇંડિઝ આ આઠ ટીમ તો અગાઉથી તેઓના રેન્કિંગના આધારે નિશ્ચિત બની ગઈ હતી. પણ વધુ ચાર ટીમોને સુપર-12માં આવતીકાલથી શરૂ થતા વર્લ્ડ કપમાં ઉમેરાવાના હોઈ તે પછીના રેન્કિંગની આઠ ટીમોને ગુ્રપ 'એ' અને ગુ્રપ 'બી'માં વહેંચી ક્વોલિફાયર્સ માટેની મેચ 17 ઓક્ટોબરથી શરૂ થઇ હતી.

જેમાં છેલ્લા વર્ષથી લગાતાર કથળતા જતાં દેખાવને લીધે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ક્વોલિફાયર્સના માર્ગે જ સુપર-12માં પ્રવેશવું પડયું હતું. અન્ય બે ટીમ સ્કોટલેન્ડ અને નામિબીયા ક્વોલિફાય થઇ છે. સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ 2007માં શરૂ થયો હતો જેમાં ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારત ચેમ્પિયન બન્યું હતું જો કે તે પછી એકપણ વખત ભારત ટી-20માં ચેમ્પિયન નથી બન્યું.

અત્યાર સુધીમાં છ વખત ટી-20 વર્લ્ડ કપ યોજાયો છે. વેસ્ટ ઇંડિઝ 2012 અને 2016માં એમ બે વખત ચેમ્પિયન બનનારી એકમાત્ર ટીમ છે. પાકિસ્તાન 2009માં, ઇંગ્લેન્ડ 2010માં, તેમજ 2014માં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. 2016 પછી પાંચ વર્ષ ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

વર્તમાન ફોર્મ તેમના ખેલાડીઓની પ્રતિભા તેમજ સમતુલા જોતા ભારત ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. કેપ્ટન કોહલી, હેડ કોચ રવિ શાસ્ત્રી ઉપરાંત મેન્ટર તરીકે ધોની હોઈ ભારત સૌથી વધુ સજ્જ છે. રોહિત શર્મા શોર્ટ ફોરમેટનો શ્રેષ્ઠ બેટ્સમેન અને બૂમરાહ નંબર વન બોલર મનાય છે. યુએઇમાં અને જે ટીમ ભાગ ન લેતી હોય તે દેશમાં સૌ પ્રથમ વખત વર્લ્ડ કપ ઇવેન્ટ યોજાઈ રહ્યો છે.

કોરોનાની મહામારીને પગલે આઈસીસીને આવો નિર્ણય લેવો પડયો હતો જો કે આઈ.પી.એલ. પણ સંપન્ન થઇ એટલે ભારતના અને ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મહિનાથી યુએઇમાં જ હોઈ ક્વોરન્ટાઈનની માનસિક આઘાતમાંથી હવે પસાર નથી થવું પડયું. દુબઇ, શારજાહ, અબુધાબી અને મસ્કત (ઓમાન) એમ ચાર કેન્દ્રના સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતમાં દિવાળીની રજાના ગાળામાં આ વર્લ્ડ કપ હોઈ ચાહકોને માટે જમાવટ રહેશે.

વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા બે ગ્રુપનું ફોર્મેટ

ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટીમ તેના ગ્રુપની અન્ય પાંચ ટીમ સાથે 1-1 વખત મેચ રમશે, જેમકે ભારત તેના ગ્રુપ-2ની પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા ટીમ સામે રમશે.

ગ્રુપ મેચના રાઉન્ડના અંતે જે તે ગ્રુપની પોઈન્ટ ટેબલની રીતે ટોપ બે ટીમ સેમિફાઈનલમાં પ્રવેશશે. એટલે કે ગ્રુપ-1ની બે અને ગ્રુપ-2ની બે ટીમ. જો ટીમના સમાન પોઈન્ટ હશે તો નેટ રન રેટના આધારે આગેકૂચ નક્કી કરવામાં આવશે.

સેમિફાઈનલ નોક આઉટ સ્ટેજ રહેશે. એટલે કે તેમાં હારશે તે બહાર ફેંકાઈ જશે. આઈપીએલની જેમ પ્રથમ ક્વૉલિફાયરમાં હારેલ ટીમને એલિમિનેટરમાં જીતીને ફાઈનલમાં પ્રવેશવાની તક મળે છે તેવું ફોર્મેટ નથી.

ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં 10 નવેમ્બરે ગ્રુપ-1ની પ્રથમ રહેલ ટીમ ગ્રુપ-2ની બીજા ક્રમની ટીમ સામે ટકરાશે. જ્યારે 11 નવેમ્બરે બીજી સેમિ ફાઈનલ ગ્રુપ-1ની બીજા ક્રમની ટીમ ગ્રુપ-2ની પોઈન્ટ ટેબલ પરના પ્રથમ ક્રમની ટીમ સામે રમશે. પ્રથમ અને બીજી સેમિફાઈનલના વિજેતા વચ્ચે 14 નવેમ્બરે ફાઈનલ રમાશે.

ગ્રુપ 1

ઓસ્ટ્રેલિયા

સાઉથ આફ્રિકા

ઇંગ્લેન્ડ

વિન્ડિઝ

શ્રીલંકા

બાંગ્લાદેશ

ગ્રુપ 2

ભારત

પાકિસ્તાન

ન્યુઝીલેન્ડ

અફઘાનિસ્તાન

સ્કોટલેન્ડ

નામિબીયા

ભારતની ગ્રુપ મેચ

ઓક્ટોબર

વિરૃધ્ધ

૨૪

પાકિસ્તાન

૩૧

ન્યુઝીલેન્ડ

નવેમ્બર

 

અફઘાનિસ્તાન

સ્કોટલેન્ડ

નામિબીયા

* ભારતની તમામ મેચ સાંજે 7.30થી રમાશે.