×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બહુ જલ્દી થશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની જાહેરાત, રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક

નવી દિલ્હી,તા.22 ઓક્ટોબર 2021,શુક્રવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધી સાથે આજે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી છે. જેમાં ગુજરાતના નવા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી તેમજ પાર્ટીમાં સંગઠનની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર વાત થઈ હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે બહુ જલદી ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે સી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા, રાજ્યસભા સભ્ય શક્તિસિંહ ગોહિલ, વરિષ્ઠ નેતા ભરત સોલંકી તેમજ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત 25 નેતાઓએ ભાગ લીધો હતો.

એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ એજન્સીને કહ્યુ હતુ કે, બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક, ચૂંટણીની તૈયારીઓ તેમજ પાર્ટીમાં સંગઠનની સ્થિતિને લઈને ચર્ચા થઈ છે. આવનારા સમયમાં નવા અધ્યક્ષની નિમણૂંક થશે તેવી આશા છે.

સાથે સાથે આ નેતાએ કહ્યુ હતુ કે, કોઈ ચોક્કસ નામ પર ચર્ચા નથી થઈ, પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવી તેનો નિર્ણય તો હાઈકમાને કરવાનો છે.

જોકે સૂત્રોનુ કહેવુ છે કે, અધ્યક્ષપદ માટે હાલમાં શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ સહિતના કેટલાક નામો પર વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓમાં હાર બાદ અમિત ચાવડાએ પ્રદેશ અધ્યક્ષ પદેથી અને પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામુ આપ્યુ હતુ.