×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે ઈતિહાસ રચ્યો, રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઈ ગયો


- લાલ કિલા પર ખાદીનો સૌથી મોટો તિરંગો ફરકાવી સિદ્ધિની ઊજવણી કરાઈ

- દેશમાં અંદાજે 75 ટકા લોકોને રસીનો એક ડોઝ જ્યારે 31 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયા છે : સ્વાસ્થ્ય મંત્રાલય

- પીએમ મોદીએ રસીકરણની આ સિદ્ધિને વિજ્ઞાન, ઉદ્યોગો, ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય ગણાવ્યો

નવી દિલ્હી : ભારતે માત્ર નવ મહિનાના ટૂંકાગાળામાં દેશભરમાં કોરોના વિરોધી રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કરીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયું હતું અને નવ જ મહિનામાં ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાાન, ઉદ્યોગો અને ૧૩૦ કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારી સામે લડવા માટે આપણને એક મજબૂત ઢાલ મળી ગઈ છે. પીએમ મોદી આ પ્રસંગે રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી ઑક્ટોબર, ૨૦૨૧નો દિવસ ઈતિહાસમાં નોંધાઈ ગયો છે. આ સિદ્ધિ ભારત, પ્રત્યેક ભારતીયની છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતને ૧૦૦ કરોડ રસીકરણ પાર કરવા બદલ અભિનંદન. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા ડૉક્ટર્સ, નર્સ અને અન્ય બધા જ કોરોના વોરિયર્સનો આભાર.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન. આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે. તેમણે લખ્યું કે, અભિનંદન ભારત. આ દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વનું ફળ છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્વાસ્થ્ય સંગઠનના પ્રાદેશિક નિદેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે આ સિદ્ધિ માટે ભારતને અભિનંદન પાઠવા કહ્યું કે મજબૂત રાજકીય નેતૃત્વ વિના આ શક્ય નહોતું.

સત્તાવાર સૂત્રો મુજબ  દેશમાં રસીકરણને પાત્ર વયસ્કોમાં અંદાજે ૭૫ ટકા લોકોને કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે જ્યારે ૩૧ ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયા છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અપાયેલા ડોઝની સંખ્યા ૧૦૦ કરોડે પહોંચતા દેશમાં ગુરુવારે ખાદીનો સૌથી મોટો તિરંગો લાલ કિલા પર ફરકાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ તિરંગાની લંબાઈ ૨૨૫ ફૂટ અને પહોળાઈ ૧૫૦ ફૂટ છે અને તેનું વજન લગભગ ૧,૪૦૦ કિલો છે. તેમણે ઉમેર્યું કે આ તિરંગો બે ઑક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં ફરકાવવામાં આવ્યો હતો.

ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ ૧૦૦ કરોડ ડોઝ અપાવાની ઊજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) રાષ્ટ્રીય ધ્વજના રંગોથી તેના ૧૦૦ સ્મારકોને પ્રકાશિત કરશે. એએસઆઈના અધિકારીઓએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં અગ્રેસર રહીને કામ કરનારા સ્વાસ્થ્ય કર્મચારીઓ, વૈજ્ઞાાનિકો, રસી બનાવનારા અને દેશના નાગરિકોને સન્માન આપવા માટે આ ઊજવણી કરાશે. આ લોકોએ કોરોના મહામારીનો હિંમતથી સામનો કર્યો છે.

સ્પાઈસ જેટે ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરવા પર ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર વિશેષ ગણવેશ જારી કર્યો હતો. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સ્પાઈસ જેટના સીઈઓ અજય સિંહ હાજર રહ્યા હતા. અગાઉ માંડવિયાએ કહ્યું હતું કે,  ભારત રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવાની સિદ્ધિ પ્રાપ્ત કરશે ત્યારે તેની જાહેરાત વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર કરાશે. 

દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી થઈ હતી અને તેના પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાઈ હતી. ત્યાર પછી બે ફેબુ્રઆરીથી કોરોના વોરિયર્સને રસી આપવાનું શરૂ થયું. કોરોના વિરોધી રસીકરણ અભિયાનનો આગામી તબક્કો ૧લી માર્ચથી શરૂ થયો, જેમાં ૬૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાવા લાગી. દેશમાં ૪૫ વર્ષથી વધુ વયના બધા જ લોકોનું રસીકરણ ૧લી એપ્રિલથી શરૂ થયું અને ૧૮ વર્ષથી વધુ વયના લોકોને ૧લી મેથી રસી આપવાનું શરૂ કરાયું હતું.