×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Covid-19: આજે સ્વર્ણિમ ઈતિહાસ રચશે ભારત! 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો થશે પાર


- માંડવીયાએ જણાવ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થયા બાદ અમે એ સુનિશ્ચિત કરવાના મોડમાં આવી જઈશું કે, જે લોકોએ પોતાનો પહેલો વેક્સિન ડોઝ લીધો છે તેઓ જલ્દી જ પોતાનો બીજો ડોઝ પણ લઈ લે

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

દેશમાં કોરોના સામે શરૂ થયેલા અભિયાનના 9 મહિના બાદ ભારત આજે 1 કરોડ વેક્સિન ડોઝ લગાવવાનો માઈલસ્ટોન પાર કરી લેશે. દેશ આજે પોતાનો 100 કરોડ એટલે કે, 1 બિલિયન વેક્સિન ડોઝ લગાવવાનો ટાર્ગેટ ક્રોસ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે અનેક કાર્યક્રમોની યોજના પણ તૈયાર કરી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે લાલ કિલ્લા ખાતેથી ગાયક કૈલાશ ખેર દ્વારા લખવામાં આવેલા એક ગીત અને એક ફિલ્મનો શુભારંભ કરશે. માંડવીયાએ દેશ વેક્સિન સેન્ચ્યુરી બનાવવાની નજીક છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સોનેરી પ્રસંગના સહભાગી બનવા માટે હું એ નાગરિકોને વિનંતી કરૂ છું જેમને વેક્સિન લગાવવાની છે. તેઓ તરત જ વેક્સિન લઈને દેશની આ ઐતિહાસિક સ્વર્ણિમ યાત્રામાં યોગદાન આપે.

સરકારની યોજના 100 કરોડમો વેક્સિન ડોઝ આપવામાં આવે ત્યાર બાદ હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર તેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે. આ સાથે જ આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે. તેનું વજન આશરે 1,400 કિગ્રા જેટલું છે. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો આ તિરંગો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસર પર લેહ ખાતે દર્શાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં નિર્મિત અત્યાર સુધીનો સૌથી વિશાળ અને હાથ વણાટની સુતરાઉ ખાદીનો છે. 

માંડવીયાએ જણાવ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થયા બાદ અમે એ સુનિશ્ચિત કરવાના મોડમાં આવી જઈશું કે, જે લોકોએ પોતાનો પહેલો વેક્સિન ડોઝ લીધો છે તેઓ જલ્દી જ પોતાનો બીજો ડોઝ પણ લઈ લે. તેનાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે તેઓ કોવિડ-19થી સુરક્ષિત છે. સરકારી પોર્ટલમાં રાતે 11:00 વાગ્યા આસપાસના સમયે દેશમાં બુધવાર સુધીમાં 99.7 કરોડ (997 મિલિયન) વેક્સિન ડોઝ લગાવાઈ ગયા હતા.