×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ રાજ્યમાં મહાજન, ખત્રી અને શીખોને મળ્યો કૃષિ ભૂમિના ખરીદ-વેચાણનો અધિકાર


- ડીસી 20 કનાલ જમીન કૃષિ અને સંબંધીત ગતિવિધિઓ માટે વેચવાની મંજૂરી આપી શકશે

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

જમ્મુ કાશ્મીર સરકારે મહત્વનો નિર્ણય લઈને મહાજન, ખત્રી અને શીખોને કૃષિ ભૂમિના ખરીદ-વેચાણ માટેનો અધિકાર આપી દીધો છે. આ સાથે જ કૃષિ, બાગબાની અને અન્ય સંબંધિત સેક્ટર્સને પણ તમામ સમુદાયો માટે ખોલી દીધા છે. આ માટે કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે 17 લાખ લોકોને ફાયદો થશે. આ 3 સમુદાયો દ્વારા ઘણાં લાંબા સમયથી અધિકાર આપવા માટેની માગણી કરવામાં આવી રહી હતી. 

ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી રાજ્ય પ્રશાસનિક પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કૃષિ સાથે સંકળાયેલા લોકો પોતાની જમીન બિનખેડૂતને હસ્તાંતરિત કરી શકે છે. આ માટે સંબંધિત ડીસી સશર્ત મંજૂરી આપશે. ડીસી 20 કનાલ જમીન કૃષિ અને સંબંધીત ગતિવિધિઓ માટે વેચવાની મંજૂરી આપી શકશે. 

આ સાથે જ 80 કનાલ જમીન બાગબાની માટે વેચી શકાશે. જમીન વેચવાની અરજી કર્યાના 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. જમ્મુ કાશ્મીરમાં કૃષિ અને તેનાથી સંબંધીત સેક્ટર્સમાં અપાર સંભાવનાઓ છે જેના માટે સામાન્ય રીતે 80 કનાલ સુધીની જમીનની જરૂર પડે છે. સરકારના આ નિર્ણયથી બિન ખેડૂતોને પણ કૃષિ અને તેના સાથે સંબંધીત ગતિવિધિઓ માટે જમીન લેવાનો અવસર મળી શકશે. તેનાથી કૃષિ, બાગબાની અને પશુપાલન ક્ષેત્રમાં રોકાણની સંભાવનાઓ વધશે. 

સરકારી પ્રવક્તાના કહેવા પ્રમાણે મહાજન, ખત્રી અને શીખ સમુદાય ઘણાં લાંબા સમયથી કૃષિ ભૂમિના ખરીદ-વેચાણનો અધિકાર આપવાની માગણી કરી રહ્યો હતો. આ નિર્ણયના કારણે કૃષિ ક્ષેત્રે ભારે સુધારો આવશે તેવી આશા છે. આ નિર્ણય આર્થિક વિકાસ અને રોજગારીના દ્વાર પણ ખોલી નાખશે.