×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનથી અલગ થઈ જશે નિહંગ સિખો? ખેડૂત નેતાઓના વલણથી છે નારાજ

નવી દિલ્હી,તા.19 ઓક્ટોબર 2021,મંગળવાર

દિલ્હીની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે નિહંગ સિખોએ એક દલિત યુવાનની કરેલી બર્બર હત્યા બાદ ખેડૂત નેતાઓ અને નિહંગ સિખો વચ્ચે તનાવ વધ્યો છે.

નિહંગોને આ આંદોલનમાંથી હટાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. એ પછી નિહંગો દ્વારા 27 ઓક્ટોબરે મહાપંચાયત બોલાવવામાં આવી છે. જે સિંધુ બોર્ડર પર યોજાશે. જેમાં જનમત સંગ્રહ દ્વારા નક્કી કરાશે કે આંદોલન સાથે જોડાયેલા રહેવુ કે નહીં. હત્યાના મામલામાં પોલીસે કરેલી કાર્યવાહી પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આંદોલનમાં સામેલ નિહંગોના આગેવાન નિહંગ આગેવાન રાજા રામ સિંહે ખેડૂત નેતાઓ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યુ હતુ કે, યોગેન્દ્ર યાદવને નેતાઓએ માથા પર બેસાડી રાખ્યા છે. તે ભાજપ અને આરએસએસનો માણસ છે. હત્યાના મામલામાં સંયુકત કિસાન મોરચાએ હાથ ખંખેરી નાંખ્યા હતા. પોલીસે ધર્મના મામલામાં સમજ્યા વગર કાર્યવાહી શરૂ કરી છે. અમે ધર્મનુ અપમાન સહન નહીં જ કરીએ. તમામ મુદ્દાઓ પર 27મીએ નિર્ણય લેવાશે.

તેમણે કહ્યુ હતુ કે, આ બેઠકમાં જે નિર્ણય લેવાશે તેને માન્ય રાખશે. અમે ભાગનારી કોમ નથી. અમારા ચારે સિંહોએ ધરપકડ વહોરી છે. જજ સામે લખબીરને મારવાની વાત પણ કબૂલી છે. અમે સિંધુ બોર્ડર પર ખેડૂતોની સુરક્ષા માટે આવ્યા હતા. અમારૂ કામ જ એ છે કે, સિખ કોમ પર આફત આવે ત્યારે તેમની સાથે ઉભા રહેવુ.

ઉલ્લેખનીય છે કે, સિંધુ બોર્ડર પર નિહંગોના પાંચ મોટા જુથ હાજર છે. દરેકમાં 50 થી 60 નિહંગો છે. જોકે હત્યાના મામલામાં આ તમામ જુથો એક છે. નિહંગો હજી પણ કહી રહ્યા છે કે, લખબીરે શ્રી ગુરૂ ગ્રંથ સાહેબનુ અપમાન કર્યુ હતુ એટલે તેની હત્યા કરાઈ હતી. અમારી કોઈ ભૂલ નથી. લખબીરે અપમાન કરવા માટે 30000 રૂપિયા લીધા હતા.તેણે પોતે પણ મરતા પહેલા કબુલ્યુ હતુ.