×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિયા મુસ્લિમોને વીણી વીણીને ખતમ કરીશું : આઇએસની ખુલ્લેઆમ ચેતવણી


કાબુલ, તા. ૧૭

અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન આઇએસ શિયા મુસ્લિમોની મસ્જિદો પર હુમલા કરી રહ્યું છે, તાલિબાને કબજો કર્યો તે બાદ આ હુમલામાં મોટો વધારો થયો છે. છેલ્લા ૧૫ દિવસમાં જ આઇએસએ બે મોટા આતંકી હુમલા શિયા મુસ્લિમો પર કર્યા છે. જેમાં ૨૦૦ જેટલા લોકો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે હવે આઇએસએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે શિયા મુસ્લિમો જ્યાં પણ હશે તેમને શોધી શોધીને મારી નાખીશું.

આઇએસ અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મુસ્જિદોને નિશાન બનાવી રહ્યું છે. આઇએસએ હવે સત્તાવાર રીતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જ્યાં પણ શિયા મુસ્લિમો હશે તેને શોધી શોધીને મારી નાખીશું. સાથે દાવો કર્યો છે કે શિયા મુસ્લિમો ખતરનાક છે. તેને દરેક જગ્યાએ અમે નિશાન બનાવીશું. આઇએસના સાપ્તાહિક અલ-નબામાં આ ધમકીને પ્રકાશીત પણ કરવામાં આવી છે. સ્થાનિક ખામા પ્રેસે જણાવ્યું કે શિયા મુસ્લિમોને માત્ર મસ્જિદો જ નહીં તેમના ઘરોમાં ઘુસીને પણ મારીશું. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં રહેતા શિયા મુસ્લિમો હવે આઇએસના નિશાના પર વધું છે કેમ કે આઇએસ અને તાલિબાન બન્ને સંગઠનોમાં સુન્નીઓની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.

આઇએસએ કહ્યું છે કે બગદાદથી લઇને ખોરાસન સુધી દરેક જગ્યાએ શિયાઓનો ખાતમો કરવામાં આવશે. અને આ જ રીતે આત્મઘાતી હુમલાથી લઇને અન્ય  દરેક પ્રકારના હુમલા અમે શિયા મુસ્લિમો પર કરતા રહીશું. બીજી તરફ શિયા મુસ્લિમોની સુરક્ષાની વાતો કરનારુ તાલિબાન આ મામલે મૌન છે અને અંદરખાને આઇએસને પણ સમર્થન આપી રહ્યું હોવાના અહેવાલો છે. હાલમાં જ તાલિબાને આઇએસના અનેક આતંકીઓને જેલમાંથી છોડી મુક્યા હતા. હાલમાં જ અફઘાનિસ્તાનના કંધહાર પ્રાંતમાં થયેલા હુમલામાં ૬૦થી વધુ શિયા મુસ્લિમો માર્યા ગયા હતા. જ્યારે અગાઉ આઠમી ઓક્ટોબરે કુંદુજ પ્રાંતમાં થયેલા હુમલામાં ૧૫૦ જેટલા લોકો માર્યા ગયા હતા.

બીજી તરફ તાલિબાનનો કટ્ટરવાદ અને મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારો સામે આવી રહ્યા છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં યુવતીઓને શિક્ષણની દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો પણ સંયુક્ત રાષ્ટ્રના દબાણને પગલે હવે તાલિબાન નરમ પડયું છે અને ખાતરી આપી છે કે યુવતીઓ માટે સેકન્ડરી સ્કૂલોને ખોલવામાં આવશે. અમેરિકાએ કહ્યું છે કે હાલમાં અમારા ડ્રોન હુમલામાં અફઘાનિસ્તાનના જે આમ નાગરિકો માર્યા ગયા છે તેમના પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે. આ હુમલામાં ૧૦ નાગરિકો માર્યા ગયા હતા. આ પરિવારને અમેરિકામાં પણ અમે આશરો આપવા માટે તૈયાર હોવાનો દાવો અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ૨૯મી ઓગસ્ટના રોજ અમેરિકાએ આ ડ્રોન હુમલો કર્યો હતો જોકે આતંકીઓના બદલે આમ નાગરિકો માર્યા ગયા હતા. જેને પગલે અમેરિકાની ભારે ટીકા થઇ રહી છે.