×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદીએ લોન્ચ કરી 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજના, લાખો લોકોને મળશે રોજગાર

નવી દિલ્હી,તા.13 ઓકટોબર 2021,બુધવાર

દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે પીએમ મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી એલાન કર્યુ હતુ કે, દેશમાં ગતિ શક્તિ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.

આજે પીએમ મોદીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે 100 લાખ કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવશે અને તેના થકી લાખો યુવાઓને રોજગાર મળશે.

આ યોજનાના ભાગરૂપે 16 મિનિસ્ટ્રીનુ એક ગ્રૂપ બનાવવામાં આવ્યુ છે. જેમાં રેલવે, સડક પરિવહન, જહાજ, આઈટી, ટેક્સટાઈલ પેટ્રોલિયમ, ઉર્જા, નાગરિક ઉડ્ડયન જેવા મંત્રાલયો સામેલ છે. આ મંત્રાલયો હેઠળ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા તો જે પ્રોજેક્ટને 2025 સુધીમાં પૂરા કરવાના છે તેમને હવે ગતિ શક્તિ યોજના હેઠળ મુકવામાં આવ્યા છે.

આ યોજના એક રીતે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેવલપ કરવા માટેનો માસ્ટર પ્લાન હશે. હાલમાં અલગ અલગ વિભાગો વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લઈને સંકલન નથી. આ પ્રકારના અવરોધ આ યોજના હેઠળ દુર કરવામાં આવશે.

યોજના પર નજર રાખવા માટે સરકારે વિવિધ એજન્સીઓની મદદથી એક ખાસ પ્લેટફોર્મ ડેવલપ કર્યુ છે. ઉપરાંત એક નોડલ મંત્રાલય પણ બનાવ્યુ છે. જે આ તમામ પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામનો રિવ્યૂ કરવા માટે નિયમિત રીતે બેઠક કરશે. આ સિવાય કોઈ નવી જરૂરીયાત ઉભી થાય અથવા તો પ્લાનમાં કોઈ બદલાવ કરવાની જરૂર ઉભી થાય તો તેને કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી કમિટી મંજૂરી આપશે.