×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સામે દયા અરજી કરેલી': રાજનાથ સિંહ


- સાવરકર મુસ્લિમોના દુશ્મન નહોતા, તેમણે તો ઉર્દુ ભાષામાં અનેક ગઝલો પણ લખી હતીઃ મોહન ભાગવત

નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2021, બુધવાર

ફરી એક વખત વીર સાવરકરને લઈ દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સાવરકર અંગેના એક પુસ્તકના વિમોચન દરમિયાન આ મુદ્દે વિસ્તારથી વાત કરી હતી. તેમાં એક તરફ સાવરકરના વિરોધીઓ પર બરાબરનું નિશાન સાધવામાં આવ્યું હતું તો બીજી બાજુ તેમને દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી ઠેરવવામાં આવ્યા હતા. 

સાવરકરના બચાવમાં રાજનાથ

કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન રાજનાથ સિંહે ભાર આપીને કહ્યું હતું કે, જેલમાં બંધ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવા પર જ અંગ્રેજોને દયા અરજી લખી હતી. સાવરકરને લઈ અનેક પ્રકારના જુઠાણાઓ ફેલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, સાવરકરે અંગ્રેજો સામે અનેક વખત દયા અરજી કરેલી. પરંતુ સત્ય એ છે કે, સાવરકરે આ બધું ગાંધીજીના કહેવા પર કર્યુ હતું. તેમના કહેવા પર જ સાવરકરે જેલમાં બેસીને દયા અરજી દાખલ કરી હતી. 

સાવરકરને લઈ નફરત તથ્યહીનઃ રાજનાથ

રાજનાથ સિંહે એ લોકોને પણ આડેહાથ લીધા હતા જેમણે વીર સાવરકરને ફાસીવાદી બતાવ્યા હતા. તેમની નજરમાં સાવરકર એક સ્વતંત્રતા સેનાની હતા. તેમને ફક્ત એ લોકોએ જ બદનામ કર્યા જો માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાનું પાલન કરે છે. રાજનાથ સિંહે ભાર આપીને કહ્યું કે, સાવરકરને લઈ જે નફરત દેખાડવામાં આવી રહી છે તે તથ્યહીન છે. આ ઉપરાંત રાજનાથ સિંહે સાવરકરને દેશના પહેલા સંરક્ષણ વિશેષજ્ઞ ગણાવ્યા હતા. તેમના મતે અન્ય દેશો સાથે કેવા સંબંધો રાખવામાં આવે તેને લઈ સાવરકરની નીતિ એકદમ સ્પષ્ટ હતી. સાવરકર હંમેશા એવું માનતા હતા કે, અન્ય દેશો સાથેના સંબંધો એ વાત પર નિર્ભર ન કરવા જોઈએ કે, ત્યાં કોની સરકાર છે પરંતુ એ વાત પર જોર રહેવું જોઈએ કે શું એ દેશ આપણા હિતોને સમજી રહ્યું છે, શું તે આપણી સુરક્ષાને લઈ અનુકૂળ છે. 

સાવરકરનું હિંદુત્વ અલગઃ રાજનાથ

રાજનાથ સિંહ સાવરકરને સાંપ્રદાયિક ગણાવનારાઓ પર પણ બરાબરના વરસ્યા હતા. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, સાવરકરનું હિંદુત્વ ધર્મથી ઉપર હતું. તેઓ કોઈના પણ સાથે ભેદભાવ નહોતા કરતા. સાવરકર એવું માનતા હતા કે, કોઈને પણ તેમના ધર્મના આધારે વહેંચવામાં ન આવે. તેમણે હંમેશા અખંડ ભારતની વાત કરી હતી. તેમના હિંદુત્વને સમજવા માટે ઉંડી સમજણની આવશ્યકતા છે. 

ભાગવતે શું કહ્યું?

તે કાર્યક્રમ દરમિયાન જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સાવરકરના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, સાવરકર મુસ્લિમોના દુશ્મન નહોતા. તેમણે તો ઉર્દુ ભાષામાં અનેક ગઝલો પણ લખી હતી. સાવરકરે ભાગલા દરમિયાન પાકિસ્તાન જનારા મુસલમાનો અંગે પોતાના વિચાર પણ રજૂ કર્યા હતા. તેમની નજરમાં પાકિસ્તાન ગયેલા મુસલમાનોની પ્રતિષ્ઠા પાકિસ્તાન માટે કદી નહોતી. જે ભારતના રહ્યા છે તે ભારતના જ રહેવાના છે.