×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતઃ BJP નેતા સીઆર પાટીલે કહ્યું- પાર્ટી કાર્યકર હશે તો નોકરી મળી જશે, કોંગ્રેસે ઘેર્યા


- ફક્ત ભાજપના કાર્યકર હોવાના આધાર પર નોકરી ન મળી શકે, આનાથી ગુજરાતના ક્વોલિફાઈડ યુવાનોને અન્યાય થઈ રહ્યો છેઃ અર્જુન મોઢવાડિયા

નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2021, બુધવાર

ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈને કંટાળેલા વિદ્યાર્થીઓ-યુવાનો ઘણી વખત રસ્તાઓ પર ઉતરી આવતા હોય છે. અનેક ભણેલા-ગણેલા યુવાન બેરોજગારો કેટલાય વર્ષથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના એક નિવેદનના કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. 

ગુજરાતમાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, ભાજપ કાર્યકરોના દીકરાઓને સરળતાથી નોકરી મળી જાય છે, પરંતુ તે ભાજપનો કાર્યકર હોય તે જરૂરી છે. આ મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, ગુજરાત સરકાર ભાજપની કંપની છે, જ્યાં ભાજપનો કાર્યકર હોવું તે ઉમેદવારનું ક્વોલિફિકેશન ગણાય છે. 

કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, અમારા ત્યાં જિલ્લા પ્રભારી કાનાબાર હતા, જે જિલ્લાના પ્રભારી હતા. એક વખત તેમણે એક વ્યક્તિને ઠંડીમાં સવારના સમયે જતી અટકાવી અને પુછ્યું કે, તે આટલી ઠંડીમાં ક્યાં જઈ રહ્યો છે. તેણે જણાવ્યું કે, પેજ કમિટી ડિટેઈલ્સ છે જેને તે એન્ટ્રી કરાવવા માટે જઈ રહ્યો છે. 

પાટીલના કહેવા પ્રમાણે કાનાબારે તેમને ફોન કર્યો અને મળવા માટે જણાવ્યું. મેં તેને જમવા માટે બોલાવ્યો અને પછી તેણે મને ફોન કરીને કહ્યું કે, હું 20 વર્ષથી ભાજપનો કાર્યકર છું. મારે એક કામ છે હું કહું કે નહીં? મારા દીકરાની નોકરી નથી લાગી રહી. ત્યાર બાદ તેમના દીકરાની નોકરી લાગી ગઈ. જો ભાજપની સરકાર હોય તો કાર્યકરો થોડા રહી જશે. અહીં અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે બોર્ડના અધ્યક્ષ છે. તેમને પણ કહી રહ્યો છું કે, કાર્યકરોને પ્રમુખતા મળવી જોઈએ. 

સીઆર પાટીલના આ નિવેદનને લઈ કોંગ્રેસે હુમલો કર્યો છે. કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ફક્ત ભાજપના કાર્યકર હોવાના આધાર પર નોકરી ન મળી શકે. આનાથી ગુજરાતના ક્વોલિફાઈડ યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. હું ભાજપના કાર્યકરોને વિનંતી કરૂ છું કે, જો તેમના પરિવારમાં કોઈના પાસે નોકરી નથી તો સીઆર પાટીલને ફોન કરે.