×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલકાતાઃ દુર્ગા પૂજા પંડાલને 'જોડાં' વડે શણગાર્યો, BJP-VHP દ્વારા વિરોધ, આયોજકોએ કરી સ્પષ્ટતા


- પૂજા કમિટીના સચિવ પ્રતીક ચૌધરીના કહેવા પ્રમાણે તેઓ પંડાલ દ્વારા ખેડૂતોના શોષણને ઉજાગર કરવા ઈચ્છે છે

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

કોલકાતાના દમદમ પાર્ક વિસ્તારમાં એક દુર્ગા પૂજા પંડાલને કથિત રીતે જોડાં (પગરખાં) વડે શણગારવામાં આવ્યો છે. આ વાતને લઈ ભારે હોબાળો મચ્યો છે. ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદે પંડાલમાં જોડાંના ઉપયોગને લઈ ભારે વિરોધ નોંધાવ્યો છે. જોકે આયોજકોના કહેવા પ્રમાણે તેમનો પંડાલ ખેડૂત આંદોલનની થીમ પર છે અને જોડાંને પંડાલથી દૂર લગાવવામાં આવ્યા છે. 

આ દુર્ગા પંડાલને દમદમ પાર્ક ભારત ચક્ર પૂજા કમિટીએ તૈયાર કર્યો છે અને અનિર્બન દાસ નામના એક આર્ટિસ્ટે તેનો શણગાર કર્યો છે. કમિટીએ આ પંડાલ દ્વારા ખેડૂત આંદોલનની સાથે સાથે યુપીના લખીમપુર ખેરી ખાતે થયેલી હિંસાને પણ દર્શાવી છે. આ પંડાલને બહારથી અનેક જોડાંઓ-સેન્ડલ્સ વડે શણગારવામાં આવ્યો છે. 

અનિર્બાન દાસે જણાવ્યું કે, આ પંડાલમાં એક ટ્રેક્ટર પર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના નામ એક ચિઠ્ઠીમાં લખેલા છે. આ સાથે જ એક પોસ્ટરમાં અંગ્રેજીમાં લખ્યું છે, 'અમે ખેડૂત છીએ. આતંકવાદી નહીં. ખેડૂત અન્ન સૈનિક છે.'

પૂજા કમિટીના સચિવ પ્રતીક ચૌધરીના કહેવા પ્રમાણે તેઓ પંડાલ દ્વારા ખેડૂતોના શોષણને ઉજાગર કરવા ઈચ્છે છે. તેમણે 1946-47ના તેભાગા આંદોલનથી લઈને વર્તમાન ખેડૂત આંદોલન સુધી, તેમણે ખેડૂતોની વાત બતાવવા પ્રયત્ન કર્યો છે જે આપણે ભોજન પૂરૂ પાડે છે. જ્યારે લખીમપુર ખેરી ખાતે હિંસા થઈ ત્યારે પંડાલ લગભગ તૈયાર થઈ ગયો હતો પરંતુ તેમણે પંડાલમાં તે હિંસાની ઘટના પણ સામેલ કરી. 

દુર્ગા-પૂજા પંડાલને જોડાં વડે શણગારવાને લઈ હોબાળો મચ્યો છે અને ભાજપે તેને આસ્થાનું અપમાન ગણાવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ ગૃહ સચિવ અને મુખ્ય સચિવને પત્ર લખીને કાર્યવાહીની માગણી કરી છે. તેમણે ટ્વટિમાં લખ્યું હતું કે, 'દમદમ પાર્કમાં દુર્ગા પૂજા પંડાલને જોડાંઓ વડે શણગારવામાં આવ્યો છે. કલાત્મક સ્વતંત્રતાના નામે માતા દુર્ગાને અપમાનિત કરવાનું આ જઘન્ય કૃત્ય સહન નહીં કરવામાં આવે. હું મુખ્ય સચિવ અને ગૃહ સચિવને વિનંતી કરૂ છું કે, તેઓ આ મામલે દખલ કરે.'

વિશ્વ હિંદુ પરિષદે પણ આ મુદ્દે આપત્તિ નોંધાવી છે. વીએચપીએ બંગાળના ગૃહ સચિવને પત્ર લખીને પંડાલમાંથી જોડાં દૂર કરવા માગણી કરી છે. સાથે જ સાંપ્રદાયિક સદ્ભાવ ખતમ કરનારા અને બંગાળી હિંદુઓનું અપમાન કરનારા ઉપદ્રવીઓ વિરૂદ્ધ મજબૂતીથી પગલાં ભરવા જણાવ્યું છે.