×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ઓવૈસી બાળસખા છે, મોહન ભાગવત મામા'- રજા માટે એન્જિનિયરની ચિઠ્ઠી, મળ્યો આવો જવાબ


- "તમે પ્રત્યેક રવિવારે કાર્યાલયમાં ઉપસ્થિત રહીને કાર્ય કરો જેથી રવિવારે અવકાશ માણવાના તમારા અહંકારનો નાશ થઈ શકે"

નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર, 2021, રવિવાર

એમપીના આગર માલવા જિલ્લામાં રવિવારની રજા મેળવવા માટે એક એન્જિનિયરે ખૂબ જ અજીબોગરીબ પત્ર લખ્યો હતો. તેણે લખ્યું હતું કે, તેને પોતાના પાછલા જન્મનો આભાસ થયો છે જેમાં અસદુદ્દીન ઓવૈસી તેના પાછલા જનમના બાળપણના મિત્ર હતા. એન્જિનિયરે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને શકુની મામા પણ લખી દીધા હતા. મજેદાર વાત એ છે કે, ઓફિસરે પણ એન્જિનિયરની ચિઠ્ઠીનો તેમની જ ભાષામાં જવાબ આપીને રવિવારે ડ્યુટી પર હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. 

સુસનેર જનપદ ખાતે પદસ્થ ઉપયંત્રી (નાયબ ઈજનેર) રાજકુમાર યાદવે પોતાના પત્રમાં લખ્યું હતું કે, રવિવારે તેઓ જનપદના કોઈ પણ કાર્યમાં ઉપસ્થિત નહીં રહી શકે કારણ કે, તેમને થોડાં દિવસો પહેલા એવો આભાસ થયો છે કે, આત્મા અમર હોય છે, સાથે જ તેમને પાછલા જન્મનો આભાસ થયો છે. તેમાં અસદુદ્દીન ઓવૈસી તેમના પાછલા જન્મના સખા એટલે કે મિત્ર નકુલ હતા અને મોહન ભાગવત શકુની મામા, માટે તેઓ પોતાના જીવનને જાણવા માટે ગીતા પાઠ કરવા ઈચ્છે છે. સાથે જ પોતાની અંદર રહેલા અહંકારને નાથવા માટે ઘરે-ઘરે જઈને ભીખ માગવા ઈચ્છે છે. આ તેમની આત્માનો સવાલ છે માટે તેમને રવિવારનો અવકાશ (રજા) આપવામાં આવે. 

જનપદ પંચાયત સુસનેરના ઓફિશિયલ ગ્રુપમાં પત્ર મળ્યા બાદ જનપદ પંચાયતના સીઈઓ પરાગ પંથીએ એન્જિનિયરને તેમની જ ભાષામાં જવાબ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'પ્રિય ઉપયંત્રી, તમે તમારો અહંકાર નાથવા ઈચ્છો છો તે ખૂબ પ્રસન્નતાનો વિષય છે, તેમાં અમારો અકિંચન સહયોગ પણ સાધક થઈ શકે છે.આ વિચાર જ મનમાં હર્ષ ઉત્પન્ન કરે છે. વ્યક્તિ પ્રાયઃ અહંકારથી વશીભૂત થઈને એમ વિચારે છે કે, તે પોતાના રવિવારને પોતાની ઈચ્છા પ્રમાણે વિતાવી શકે છે. આ અહંકારને તેના બીજરૂપમાં નષ્ટ કરવો તમારી ઉન્નતિ માટે અપરિહાર્ય છે. અતઃ તમારી આત્મિક ઉન્નતિની અભિલાષાને દૃષ્ટિગત રાખીને તમને આદેશ આપવામાં આવે છે કે, તમે પ્રત્યેક રવિવારે કાર્યાલયમાં ઉપસ્થિત રહીને કાર્ય કરો જેથી રવિવારે અવકાશ માણવાના તમારા અહંકારનો નાશ થઈ શકે. તમારી આત્મિક ઉન્નતિમાં સાધક બનવાની પ્રસન્નતા સાથે, તમારો પરાગ પંથી (સીઈઓ, સુસનેર).'

હવે આ અજીબોગરીબ ચિઠ્ઠી બાદ એન્જિનિયરને રજા તો મળી, ઉપરથી દરેક રવિવારે કાર્યાલય પહોંચીને કામ કરવાનો આદેશ જરૂર મળી ગયો છે.