×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સત્તામાં નરેન્દ્ર મોદીના 20 વર્ષઃ ગરવા ગુજરાતનો હુંકાર, ઉદ્દંડ પાડોશીને દંડ અને ન્યૂ ઈન્ડિયાનો મંત્ર


- ગુજરાતના રમખાણોએ દેશના સામાજીક તાણાવાણાને ખૂબ ઉંડુ નુકસાન પહોંચાડ્યું ત્યાર બાદ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 'રાજધર્મ' નિભાવવાની સલાહ આપી હતી

નવી દિલ્હી, તા. 07 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 7 ઓક્ટોબર, 2021ના રોજ સાર્વજનિક જીવનના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 20 વર્ષોમાં તેઓ 12 વર્ષ કરતા વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે અને હાલ 7 વર્ષ કરતા પણ વધારે સમયથી દેશના વડાપ્રધાન છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારથી લઈને વડાપ્રધાન બન્યા બાદ આજ સુધી સતત તેઓ બંધારણીય પદે કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન તેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી. 

ભારતની ખૂબ જ ઉબડખાબડવાળી રાજકીય જમીન પર તેઓ પોતાના દમ પર સતત 2 વખત રેકોર્ડ બહુમતથી સામાન્ય ચૂંટણી જીત્યા અને જનતાનો અપાર પ્રેમ મેળવ્યો. વડાપ્રધાન મોદી આજે સોશિયલ મીડિયાના ટોપ પ્લેયર છે. થોડા વર્ષો પહેલા મહિલા દિવસના રોજ તેમણે જ્યારે પોતે સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યા છે તેવો ઈશારો કર્યો ત્યારે ભારે હડકંપ મચી ગયો હતો. ટ્વિટર અને ફેસબુક પર તેમના ફોલોઅર્સની સંખ્યા અનેક દેશોની જનસંખ્યા કરતા પણ વધારે છે. તેઓ એક ખૂબ જ પ્રભાવશાળી કોમ્યુનિકેટર છે અને લોકોના અટેન્શનને કમાન્ડ કરવાનું જાણે છે. 

80 અને 90ના દશકામાં નરેન્દ્ર મોદી ભાજપના સાધારણ નેતા હતા પરંતુ સંઘ સાથેનો તેમનો નાતો ખૂબ જૂનો હતો. 1987માં નરેન્દ્ર મોદીએ પોતે અમદાવાદ નિગમ ચૂંટણીમાં ભાજપના વિજયની સ્ક્રિપ્ટ લખી હતી. તેમણે પોતાની પ્રબંધન ક્ષમતાનો કમાલ દેખાડીને પાર્ટીને જીત અપાવી હતી. તેમના કૌશલ્યએ પાર્ટીનું ધ્યાન ખેંચ્યુ હતું અને અમદાવાદની જીત બાદ 1987માં ભાજપે તેમને ગુજરાતના સંગઠન સચિવ બનાવી દીધા હતા. 

1990માં એલકે અડવાણીની રથયાત્રા અને 1991-92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાને સફળ બનાવવામાં તેમણે મહત્વનો રોલ ભજવ્યો હતો. 1995ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પોતાની મેનેજમેન્ટ સ્કિલ બતાવી અને પાર્ટીને તે ચૂંટણીમાં જીત મળી તે સાથે જ ભાજપમાં મોદીનું પ્રમોશન થયું અને તેમને રાષ્ટ્રીય સચિવ બનાવીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા. 

1998માં ગુજરાતના રાજકારણમાં ભારે બદલાવ આવ્યો અને ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જતા રહ્યા. રાજ્યમાં વચગાળાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને તેમની સરકાર ચાલી રહી હતી ત્યારે જ જાન્યુઆરી 2001માં ગુજરાતના ભુજ ખાતે ભીષણ ધરતીકંપ આવ્યો. તે હોનારતના સામના દરમિયાન સરકારની છબિને ભારે નુકસાન પહોંચ્યું. ભાજપના નેતૃત્વને ગુજરાતની ચિંતા સતાવી રહી હતી. તે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા અને રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. ભાજપે રાજ્યનું નેતૃત્વ બદલવાનું નક્કી કર્યું એટલે વાજપેયીને મોદી યાદ આવ્યા અને પહેલી ઓક્ટોબરના રોજ મોદી જ્યારે દિલ્હીમાં એક કેમેરામેનના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત હતા તે સમયે તેમને ફોન આવ્યો અને પીએમ અટલ બિહારી વાજપેયીને મળવા કહેવામાં આવ્યું. 

અટલ બિહારી વાજપેયી સાથેની મુલાકાતમાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી અને વાજપેયીએ મોદીના રાજકીય રઝળપાટને ખતમ કરી દીધો. તે ફોન કોલ દ્વારા સક્રિય રાજકારણમાં મોદીના પ્રવેશ માટેનો રસ્તો ખુલી ગયો હતો અને તે સાથે જ ભારતનું રાજકારણ એક પ્રસ્થાન બિંદુ પર પહોંચી ચુક્યું હતું. 

7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભુજના ભૂકંપ પ્રભાવોનો સામનો કરી રહ્યા હતા ત્યાં જ ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન કાંડ થયો. ત્યાર બાદ ગુજરાત સાંપ્રદાયિક રમખાણની આગમાં સળગવા લાગ્યું. ગુજરાતના રમખાણોએ દેશના સામાજીક તાણાવાણાને ખૂબ ઉંડુ નુકસાન પહોંચાડ્યું. ત્યાર બાદ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 'રાજધર્મ' નિભાવવાની સલાહ આપી હતી. 

ગુજરાત હિંસાની આકરી ટીકાઓ, ન્યાયિક પ્રક્રિયાઓમાંથી બહાર નીકળીને મોદીએ પોતાના માટે સખત પ્રશાસકની છબિ બનાવી અને રાજ્યની વીજળીની, પીવાના પાણીની સમસ્યા દૂર કરી. સાબરમતી નદીનો કાયાકલ્પ કરાવ્યો. રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે વાઈબ્રેન્ટ ગુજરાત સમિટનું આયોજન કરાવ્યું અને રાજ્યમાં રોકાણ વધારવામાં સફળ રહ્યા. ત્યારથી તેમણે ગુજરાત મોડલનો કોન્સેપ્ટ બનાવ્યો અને નરેન્દ્ર મોદીએ ગુજરાતની છબિને બ્રાન્ડનો ચહેરો બનાવ્યો.