×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં વધુ એક મોટા ફેરફારની તૈયારી, હરીશ રાવતની જગ્યાએ હરીશ ચૌધરી બની શકે છે કોંગ્રેસ પ્રભારી


- ચરણજીત સિંહ ચન્નીના શપથ ગ્રહણના દિવસે હરીશ રાવત દ્વારા આપવામાં આવેલું નિવેદન ચોંકાવનારૂઃ સુનીલ જાખડ

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર, 2021, શનિવાર

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ હાઈકમાને રાજ્યમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને પંજાબના પ્રદેશ પ્રભારી પદેથી દૂર કરવામાં આવી શકે છે. તેમના બદલે હરીશ ચૌધરીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

પંજાબમાં છેલ્લા 15 દિવસથી એક પછી એક મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. સૌથી પહેલા તો કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું. ત્યાર બાદ ચરણજીત સિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્યમંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા. આ બધા વચ્ચે પંજાબના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ રાજીનામુ આપી દીધું. પંજાબના પ્રભારી તરીકે રાવત આ બધા મુદ્દાઓને ઉકેલવામાં અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયા છે. 

હકીકતે અમરિંદર સિંહના રાજીનામા બાદ હરીશ રાવતે સિદ્ધુને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો બતાવ્યો હતો. રાવતે કહ્યું હતું કે, ચરણજીત સિંહ ચન્નીને લઈ પાર્ટીએ પહેલેથી જ મન બનાવી લીધું હતું. આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો કોણ હશે તે કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે. જો વર્તમાન સ્થિતિને જોઈએ તો આ વખતની ચૂંટણી પંજાબ સરકારની કેબિનેટ અને પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની આગેવાનીમાં લડાશે. 

રાવતના આ નિવેદન મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચરણજીત સિંહ ચન્નીના શપથ ગ્રહણના દિવસે હરીશ રાવત દ્વારા આપવામાં આવેલું નિવેદન ચોંકાવનારૂ છે. તે મુખ્યમંત્રીની શક્તિને કમજોર કરે છે અને સાથે જ કોઈની પસંદગી સામે સવાલ સર્જે છે. 

બીજી બાજુ પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જે લોકોને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તેમને ત્યાંની સમજણ નથી.