×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાબા રામદેવનું 'ડીમેટ આસન'! આપી કરોડપતિ બનવાની ગેરન્ટી, SEBI લઈ શકે છે એક્શન


- બાબા રામદેવના આ નિવેદનના ટાઈમિંગને પણ ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે કારણ કે, રૂચિ સોયાનો ફોલો ઓન પબ્લિક ઓફર આવવાનો છે

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

શેર માર્કેટ અને કોર્પોરેટ જગતની બારીકીઓ શીખી રહેલા બાબા રામદેવ એક ભૂલ કરી બેઠા છે. એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે પોતાના સમર્થકો વચ્ચે કરોડપતિ બનાવવાની ગેરન્ટી આપી દીધી હતી. ત્યારે હવે ભારતના સિક્યોરિટીઝ માર્કેટનું નિયમનકાર સેબી (ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ) આ મામલે કાર્યવાહી કરી શકે છે તેવા અણસાર છે. 

આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં હોલમાં એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવ પોતાના સમર્થકોને કહે છે કે, 'તમે લોકો ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને રૂચિ સોયાના શેરમાં પૈસા લગાવો. તમે કરોડપતિ બની જશો એ વાતની મારી સંપૂર્ણ ગેરન્ટી છે.'

શું છે નિયમ

હકીકતે આ પ્રકારની ગેરન્ટીની વાત કરવી તે સેબીના નિયમોની વિરૂદ્ધ છે. સેબીના નિયમો પ્રમાણે કોઈ કંપનીનો અધિકારી કે કંપની પોતે રોકાણકારોને લલચાવવા માટે આ પ્રકારના નિવેદનો ન આપી શકે. કોઈ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિને શેર અંગે આવી સલાહ ન આપી શકે. જો કોઈ વ્યક્તિ લોકોને કોઈ શેરમાં રોકાણ કરવાની સલાહ આપે તો તે સેબીમાં રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર હોવી જોઈએ. સેબીનો ઈતિહાસ રહ્યો છે કે, તેણે આવા કેસમાં આકરૂં વલણ અપનાવ્યું છે. 2017માં આવા જ એક કેસમાં સેબીએ ઈમામીના ચેરમેન આર.એસ. અગ્રવાલને 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

સેબીનો પાવર

કાયદાવિદોના કહેવા પ્રમાણે સેબી પાસે આ મામલે અનેક પાવર છે અને તે આવા નિવેદનો આપતી કંપનીઓના અધિકારીઓને દંડ ફટકારી શકે છે અથવા તેમને વોર્નિંગ આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, પતંજલિ જૂથે 2019ના વર્ષમાં રૂચિ સોયાને ખરીદી લીધી હતી. શેર માર્કેટમાં કોઈ પણ કંપનીમાં રોકાણ કે ટ્રેડિંગ જોખમથી ભરેલું હોય છે અને કોઈ પણ એવી ગેરન્ટી ન લઈ શકે કે ભવિષ્યમાં તેમાં ફાયદો થશે. સેબીના નિયમો પ્રમાણે કોઈ પણ કંપની રોકાણકારોને નિશ્ચિત રિટર્ન મળવાની ગેરન્ટી પણ ન આપી શકે. 

એક અહેવાલ પ્રમાણે સેબીએ બાબા રામદેવના આ વીડિયો પર સંજ્ઞાન લઈને આ મુદ્દે બાબા રામદેવની સ્પષ્ટતા પણ માગી છે. બાબા રામદેવના આ નિવેદનના ટાઈમિંગને પણ ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે કારણ કે, રૂચિ સોયાનો ફોલો ઓન પબ્લિક ઓફર આવવાનો છે.