×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'કાલથી આમના ઘરના શ્વાનને પણ બહાર નહીં નીકળવા દઈએ', ખેડૂતોએ હરિયાણાના BJP-JJP નેતાઓને આપી ખુલ્લી ચેતવણી


- ' અમારૂં આંદોલન ચાલુ છે ત્યારે સરકાર પાકની ખરીદીમાં મોડુ કરી રહી છે, અલગ અલગ શરતો મુકી રહી છે. મતલબ કે ખેતરમાં પણ પાક બગડશે અને મંડીમાં વેચાણ પણ નહીં થાય.'

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠન ફરી એક વખત આમને-સામને છે. અનાજની ખરીદીને લઈ પંજાબ-હરિયાણામાં હોબાળો થઈ રહ્યો છે. પાકની ખરીદીમાં મોડું થઈ રહ્યું હોવાથી ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ગુરનામ સિંહના કહેવા પ્રમાણે જો કાલથી (2 ઓક્ટોબર) પાકની ખરીદી શરૂ નહીં થાય તો તેમનો શ્વાન પણ ઘરની બહાર નહીં નીકળી શકે. 

હકીકતે હવામાનને ધ્યાનમાં રાખીને આ વર્ષે અનાજ ખરીદીની પ્રક્રિયા શરૂ થવામાં મોડું થયું છે. કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણાને એમએસપીના આધાર પર 11મી ઓક્ટોબરથી આ પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યું છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે. 

ભારતીય કિસાન યુનિયનના ગુરનામ સિંહ ચઢૂનીએ આ મુદ્દે સરકારને ચેતવણી આપી છે. એક વીડિયો જાહેર કરીને ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે, મંડીઓમાં અનાજના ઢેર લાગ્યા છે, વરસાદના કારણે ઘણો પાક પણ બગડ્યો છે. આ સરકારે પહેલા પહેલી તારીખથી ખરીદીની વાત કરી હતી પરંતુ હવે તેને આગળ વધારીને 11 તારીખ કરી દેવામાં આવી છે. 

તેમણે કહ્યું હતું કે, ફરી ચેતવણી આપી રહ્યા છીએ. કાલે ખરીદી શરૂ કરી દો તો સારૂં રહેશે. નહીં તો પરમદિવસથી તારા ધારાસભ્યો, એમપી, નેતાઓને એ રીતે ઘેરીશું, ઘરમાં બંધ કરીશું કે તેમનો શ્વાન પણ બહાર નહીં નીકળી શકે. ખેડૂત સાથીઓ કાલ સુધી રાહ જોઈ લો, જો ખરીદી નહીં થાય તો પરમ દિવસે તેમના ઘરોને ઘેરી લો. તેમના ઘરનો શ્વાન પણ બહાર ન નીકળવો જોઈએ. 

ગુરનામ સિંહે કહ્યું કે, જ્યારે અમારૂં આંદોલન ચાલુ છે ત્યારે સરકાર પાકની ખરીદીમાં મોડુ કરી રહી છે, અલગ અલગ શરતો મુકી રહી છે. મતલબ કે ખેતરમાં પણ પાક બગડશે અને મંડીમાં વેચાણ પણ નહીં થાય.