×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ છોડ્યા બાદ જલ્દી જ નવી 'ફોજ' તૈયાર કરશે કેપ્ટન, પાર્ટીના અનેક સેનાપતિઓ સંપર્કમાં


- અમરિંદર સિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કેટલાક ખેડૂત નેતાઓની મુલાકાત લે તેવી શક્યતા 

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. જાણવા મળ્યા મુજબ આગામી 15 દિવસની અંદર જ અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવી લેશે. આશરે 1 ડઝન જેટલા કોંગ્રેસી નેતાઓ પણ તેમના સંપર્કમાં છે. હકીકતે કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું ત્યારથી સતત એવી અટકળો લગાવાઈ રહી હતી કે, તેઓ ભાજપમાં જોડાશે અથવા નવી પાર્ટી બનાવશે. તેમણે તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત પણ લીધી હતી. 

કેપ્ટન અમરિંદર સિંહ ગુરૂવારે દિલ્હીથી ચંદીગઢ પાછા આવી ગયા હતા. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ભાજપમાં નથી જોડાઈ રહ્યા. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ હવે કોંગ્રેસમાં નહીં રહે. તેવામાં હવે તેમને નવી રાજકીય પાર્ટી સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી દેખાઈ રહ્યો. 

સમર્થકોની સલાહ લઈ રહ્યા છે અમરિંદર

જાણવા મળ્યા મુજબ અમરિંદર સિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ કેટલાક ખેડૂત નેતાઓની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. ત્યાર બાદ તેઓ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે  કેટલાય કોંગ્રેસી ધારાસભ્યો અને નેતાઓ અમરિંદરના સમર્થનમાં છે. તેઓ કેપ્ટનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. 

કોંગ્રેસમાં નહીં રહે કેપ્ટન

કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ કોંગ્રેસમાં નહીં રહે. મતલબ કે ટૂંક સમયમાં જ તેઓ પાર્ટીમાંથી રાજીનામુ આપી શકે છે. જોકે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, તેઓ ભાજપમાં નહીં જાય. તેમણે 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. તેમણે 9.5 વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. તેમની રાજકીય કારકિર્દી આશરે 5 દશકા જેટલી લાંબી છે.