×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિદ્ધુને મનાવવાના મૂડમાં નથી કોંગ્રેસ હાઈકમાન, હરીશ રાવતની મુલાકાત અટકી પડી, નવા પ્રદેશ અધ્યક્ષની તલાશ


- પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બીટ્ટુના નામ મોખરે

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટી ભલે મુશ્કેલીમાં મુકાઈ હોય પરંતુ હવે કોંગ્રેસ હાઈકમાન ઝુકવાના મૂડમાં નથી. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ હાઈકમાને હવે નવા પ્રદેશ અધ્યક્ષની તલાશ શરૂ કરી દીધી છે. મતલબ કે, નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. 

જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતની ચંદીગઢ મુલાકાત રદ્દ કરાવી છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, હરીશ રાવત ચંદીગઢમાં નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટે જઈ રહ્યા છે. હાઈકમાન દ્વારા પંજાબમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિને લઈ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો સંપૂર્ણપણે સાથ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આગામી ડગલું નવજોત સિંહ સિદ્ધુના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિનું છે. 

આ રેસમાં 2 નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યા છે જેમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બીટ્ટુનો સમાવેશ થાય છે. કુલજીત હાલ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે જ્યારે રવનીત લોકસભા સાંસદ છે, જે સંસદ સત્ર દરમિયાન ચર્ચામાં રહ્યા છે. 

સિદ્ધુના સમર્થનમાં અનેક નેતાઓનું રાજીનામુ

ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ કોઈ પણ જાતની સમજૂતી નથી કરી શકતા. નવજોત સિંહ સિદ્ધુના આ પગલા બાદ તેમના સમર્થનમાં અનેક સમર્થકોએ પદ છોડી દીધું હતું. રજિયા સુલ્તાનાએ મંત્રી પદ છોડ્યું તો પંજાબ કોંગ્રેસના અન્ય કેટલાક સદસ્યોએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું. ત્યાર બાદ કોંગ્રેસ સામે નવા પડકારો સર્જાયા છે.