×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારના પૂર્વ CM માંઝીએ કહ્યું- 'શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો'


- માંઝીએ જણાવ્યું કે, રામાયણમાં મહિલાઓનું સન્માન અને મોટાઓનો આદર કરવા જેવી ઘણી બધી વાતો છે જે કોઈના વ્યક્તિત્વ નિર્માણમાં કામ આવે છે. 

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2021, બુધવાર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ મોરચા (HAM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ એક ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમાં તેમણે શ્રીરામના અસ્તિત્વ સામે જ સવાલ ઉભો કરી દીધો છે અને તેમને કાલ્પનિક ઠેરવી દીધા છે. 

માંઝીએ જણાવ્યું કે, શ્રીરામ કોઈ જીવિત કે મહાપુરૂષ વ્યક્તિ હતા, એવું તે નથી માનતા. જોકે તેમણે સ્વીકાર કર્યો હતો કે, રામાયણમાં એવી ઘણી બધી જ્ઞાનની વાતો છે જે જીવનમાં અનુસરણ કરવા યોગ્ય છે. 

પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ જણાવ્યું કે, રામાયણમાં એવી અનેક વાતો, શ્લોક અને સંદેશા છે જે કોઈ પણ વ્યક્તિના નિર્માણમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. માંઝીએ જણાવ્યું કે, રામાયણમાં મહિલાઓનું સન્માન અને મોટાઓનો આદર કરવા જેવી ઘણી બધી વાતો છે જે કોઈના વ્યક્તિત્વ નિર્માણમાં કામ આવે છે. 

હકીકતે, જીતન રામ માંઝીએ શ્રીરામને કાલ્પનિક ગણાવતી વાત એક સવાલના જવાબમાં કરી હતી. તેમને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, મધ્ય પ્રદેશમાં જે રીતે રામાયણને અભ્યાસક્રમનો હિસ્સો બનાવવામાં આવ્યું તો શું બિહારમાં પણ આવું બનવું જોઈએ જેવી ભાજપના નેતાઓ તરફથી માગણી કરવામાં આવી રહી છે. 

જીતન રામ માંઝીએ એક તરફ તો શ્રીરામને કાલ્પનિક ગણાવતી વાતો કરી પરંતુ બીજી બાજુ તેમણે એ વાતની વકીલાત પણ કરી કે, રામાયણને બિહારની શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ જેથી લોકો તેમાંથી સારી વાતો શીખી શકે.