×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2022માં મોંઘવારી બેફામ વધશે, ઘર ખર્ચનું બજેટ ખોરવાશે


પ્રજાએ ભાવ વધારા સહિતની મુશ્કેલીઓ સહન કરવી પડશે  

વૈશ્વિક સ્તરે ફુગાવામાં આવેલા અચાનક ઉછાળાથી મોટા ભાગના દેશોના અર્થતંત્ર સામે જોખમ : ગુ્રપ-20 દેશોમાં ફુગાવો આગામી વર્ષે 3.9 ટકા થવાનો અંદાજ  

અસંતુલિત રિકવરીના કારણે વિશ્વની મધ્યસ્થ બેન્કોએ ફુગાવાના જોખમને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડવી પડશે

સપ્લાયમાં વિક્ષેપ, ઓઇલ અને પેકેજિંગ મટિરિયલ્સમાં તેજીથી ભાવ 4થી 5 ટકા વધવાની સંભાવના 

ચાલુ વર્ષે વૈશ્વિક વૃદ્ધિદર 5.7 ટકા અંદાજાયો

મુંબઇ : કોરોના મહામારી દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અતિશય વધી જતા ભારતીય પરિવારોનું બજેટ ખોરવાઇ ગયુ છે અને નજીકના સમયગાળામાં હાલ કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી.

પેકેજ્ડ ફૂડ ઉદ્યોગના એક સિનિયર અધિકારીનું માનવુ છે કે, આગામી ત્રિમાસિક દરમિયાન ભારતીય ગ્રાહકોએ વધારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ અને કોમોડિટીઝના ભાવમાં ઉછાળાના કારણે જી-સેવનના જાપાન સિવાયના દરેક દેશે ભાવવારાનો માર સહન કરવો પડશે. 

એક બહુરાષ્ટ્રીય કંપનીના વડાએ જણાવ્યું હતું કે આગામી વર્ષે ખાદ્ય મોંઘવારી દરમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી શકે છે. કૃષિ પેદાશો, ખાદ્યતેલ અને પેકેજિંગ મટિરિયલ્સની કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિ ઉપરાંત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સારી આર્થિક ગતિવિધિઓથી ખાદ્ય મોંઘવારી ઝડપથી ઊંચે જશે.

તેમણે ઉમેર્યુ કે, વર્ષ 2022 સ્વાભાવિક રીતે એક મુશ્કેલીભર્યુ વર્ષ દેખાઇ રહ્યુ છે. દૂધની કિંમતોમાં વૃદ્ધિ થઇ છે અને અર્થવ્યવસ્થાઓ ફરી ખુલતા આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ આવી રહી છે જેથી માંગમાં વધારો થશે.

આવી પરિસ્થિતિમાં ભાવ વધવા સ્વાભાવિક છે. વૈશ્વિક સ્તરે કોફીની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્લાયમાં વિક્ષેપ, તેલ સંબંધિત જટિલતાઓ અને પેકેજિંગ મટિરિયલ્સમાં તેજીથી ખર્ચ 4થી 5 ટકા વધી શકે છે. એવામાં ખાદ્ય મોંઘવારી આપણી મુશ્કેલીઓમાં વધારો કરશે.

અન્ય કંપનીઓથી વિપરીત નેસ્લેને દૂધ અને ઘઉં જેવા મુખ્ય કાચામાલની કિંમતોમાં વૃદ્ધિથી ઓછો ફટકો પડયો છે. તેના જણાવ્યા અનુસાર હાલમાં નેસ્લે દ્વારા કિંમતોમાં કરાયેલી વૃદ્ધિ પુરતી નથી. કંપનીએ કેટેગરીના આધારે 1થી 3 ટકાનો ભાવ વધારો કર્યો છે. અલબત્ત તેમણે એ જણાવ્યુ નથી કે કંપનીએ પેકેટના કદમાં કેટલો ઘટાડો કર્યો છે.  

આ સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વની મધ્યસ્થ બેન્કો ફુગાવાના જોખમને પહોંચી વળવા માટે તેમની આગવી વ્યૂહરચના ઘડવી પડશે, કારણ કે વિશ્વના અર્થતંત્રોએ રોગચાળામાંથી બહાર આવવામાં અસંતુલિત રિકવરીના કારણે અપેક્ષા કરતાં વારે ઝડપથી ભાવવધારાનો સામનો કરવો પડશે. 

આ સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની માંગ અપેક્ષા કરતાં વધારે રહી અથવા તો લાંબા સમય સુી પુરવઠાની અછત વધારે પ્રમાણમાં રહી તો નજીકના ભવિષ્યમાં ફુગાવાનું જોખમ વધીજશે.

આ સમયગાળા દરમિયાન અનુકૂળ નાણાકીય નીતિ ચાલુ રાખી શકાય છે, પરંતુ તેની સાથે કોઈપણ ફુગાવો નિયત લક્ષ્યાંકને અતિક્રમી જાય તો તેના માટે શું કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન જરૂરી છે. આગામી એક જ સપ્તાહમાં વિશ્વની કમસેકમ 15 મધ્યસ્થ બેન્કો નાણાકીય નિર્ણયો લેવાની છે ત્યારે કન્ઝ્યુમર પ્રાઇસીસમાં વૃદ્ધિ ઉલ્લેખનીય છે.

ફુગાવાના આ જોખમને ધ્યાનમાં રાખીને જ ફેડરલ રિઝર્વ રોગચાળાના સમયગાળા દરમિયાન આપેલું પ્રોત્સાહન પેકેજ વાઇન્ડ અપ કરી શકે છે.  આ વૈશ્વિક સંસ્થાના અનુમાન મુજબ ગુ્રપ-20 બ્લોકના દેશોમાં ફુગાવો 2021માં 3.7 ટકા અને 2022માં 3.9 ટકા થવાનો અંદાજ છે. અમેરિકા પર ભાવનું દબાણ હળવું થયું હોવા છતાં પણ સંગઠનના અર્થશાસ્ત્રીઓ માને છે કે સમગ્ર વર્ષ દરમિયાન ફુગાવાનો દર ત્રણ ટકાની ઉપર રહેશે. 

ફુગાવો રોગચાળાના પૂર્વેના સ્તરે આવી રહ્યો છે તે એક રીતે આવકાર્ય બાબત છે તો તેની સાથે તેમાં ફુગાવાની વૃદ્ધિના કારણે ચિંતા પણ સર્જાઈ શકે છે. પુરવઠા મોરચે દબાણ તબક્કાવાર ઘટતું જશે, વેતનવૃદ્ધિ સંતોષજનક રહેશે અને ફુગાવાની ચિંતા કેન્દ્રસ્થાને રહેશે.

જો કે પુરવઠાના મોરચે લાંબો સમય અછત રહે જ તો જ લાંબા સમયગાળા માટે ફુગાવાના ઊંચા દરનો સમયગાળો શરૂ થઈ શકે. મજબૂત ફુગાવો અને અસંતુલિત વૃદ્ધિના સંયોજનના કારણે વિશ્વએ વૃદ્ધિની તક ગુમાવી છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીમાં બે વર્ષ ગયા પછી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ પર નજર છે. 2021માં વૈશ્વિક વૃદ્ધિદર 5.8 ટકાથી ઘટાડી 5.7 ટકા થવાનો અંદાજાયો છે. 

આગામી વર્ષે શું-શું મોંઘું થઈ શકે

રાંધણ ગેસ : આગામી વર્ષે રાંધણ ગેસના ઘરેલું વપરાશનો બાટલો હજાર રૂપિયાને પણ વટાવી જાય તો આશ્ચર્ય નહી થાય. ઉજ્જવલાના મફત જોડાણની કિંમત તો ચૂકવવી પડશેને. 

પેટ્રોલ-ડીઝલ : પેટ્રોલ-ડીઝલના ભાવ આગામી વર્ષે વધીને 125 રૂપિયાની આસપાસના ભાવે સ્થિર રહે તેમ માનવામાં આવે છે

સીએનજી : સીએનજીનો ભાવ પણ પ્રતિ કિલોએ 75 રૂપિયા થઈ જાય તેમ મનાય છે

ખાંડ : આગામી વર્ષે ખાંડનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાને વટાવી જઈ શકે છે. શેરડીનું પીલાણ કરતાં કારખાના તેની કિંમત તો આપણી પાસેથી જ વસૂલશે. 

તેલ : તેલના ડબાના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા કંપનીઓએ શેમ્પૂની જેમ તેલનું ગ્રામમાં રિટેલ પેક લોન્ચ કરવું પડે તેવા દિવસો દૂર નથી

શાકભાજી : મોટાભાગના શાકભાજીનો ભાવ પ્રતિ કિલોએ 40-50 રૂપિયા કે તેનાથી પણ વધારે રહેવાની શક્યતા છે

કઠોળ : કઠોળની હાલમાં જે રીતે અછત છે તેને ધ્યાનમાં રાખતા લગભગ બધા કઠોળનો ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયાને વટાવી જઈ શકે છે

વીજળી : ગુજરાતના ગ્રાહકો હાલમાં આમ પણ વીજળીના ઊંચા દર ચૂકવે છે. તેઓ હાલમાં પ્રતિ યુનિટ 8 રૂપિયાથી ઊંચો દર ચૂકવે છે, જે આગામી વર્ષે વધીને દસ રૂપિયા વટાવી જઈ શકે છે. છેવટે સ્માર્ટ મીટરનો ખર્ચ તો આપણે જ ચૂકવવાનો રહેશેને. 

ટેલિકોમ રેટ : મોબાઇલ ફોનના દરમાં ઘટાડાનો અંતિમ પોઇન્ટ આવી ગયો છે. હવે આ સ્તરેથી તેના દરો વધી જ શકે છે. તેમા પણ વોડાફોન આઇડિયા નીકળી ગઈ તો બજારમાં ઇજારાશાહી જેવી સ્થિતિ હશે.