×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનઃ મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિંદુ પરિવારને બંધક બનાવીને મોબ લિન્ચિંગ, ઈમરાનની પાર્ટીના હતા હુમલાખોરો


- ફરિયાદ ન નોંધાવાના કારણે નારાજ હિંદુ પરિવાર પાકિસ્તાનના પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠો હતો

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર 

પાકિસ્તાનમાં ફરી એક વખત હિંદુ પરિવાર સાથે ઉત્પીડનની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ લોકોએ એક હિંદુ પરિવાર પર હુમલો કર્યો હતો અને પરિવારના તમામ સદસ્યોને બંધક બનાવીને તેમના સાથે મારપીટ કરી હતી. એટલે સુધી કે પોલીસે પણ પીડિતની ફરિયાદ મુદ્દે કોઈ જ કેસ નથી નોંધ્યો. 

આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંત ખાતે બની હતી. આરોપ પ્રમાણે હિંદુ પરિવારના લોકો નજીકની મસ્જિદમાંથી પીવાનું પાણી લેવા માટે ગયા હતા. અનેક લોકોએ તે મુદ્દે વિરોધ નોંધાવીને તેમના પર મસ્જિદની પવિત્રતા ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત આલમ રામ ભીલ પંજાબના રહીમ યાર ખાન શહેરમાં રહે છે. તેના કહેવા પ્રમાણે તેના પરિવારના લોકો પાસેની મસ્જિદમાં પાણી ભરવા માટે ગયા હતા તે સમયે કેટલાક લોકોએ આવીને તેના સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. 

હુમલાખોરો ઈમરાનની પાર્ટીના

પીડિતના કહેવા પ્રમાણે તેનો પરિવાર ઘરે આવ્યો એટલે તેમને પણ બંધક બનાવી લેવામાં આવ્યા અને મસ્જિદની પવિત્રતા ભંગ કરવાનો આરોપ લગાવીને મારપીટ કરવામાં આવી હતી. આરોપ પ્રમાણે હુમલાખોરો વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી સાથે સંકળાયેલા હતા માટે પોલીસે પીડિતની ફરિયાદ મુદ્દે કોઈ જ કેસ નથી નોંધ્યો. 

પીડિત પરિવારના ધરણાં

ફરિયાદ ન નોંધાવાના કારણે નારાજ હિંદુ પરિવાર પાકિસ્તાનના પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠો હતો. બાદમાં ડિસ્ટ્રિક્ટ પીસ કમિટીના સદસ્ય પીટર જોન ભીલની મદદથી તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ અધિકારી અસદ સરફરાજના કહેવા પ્રમાણે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. 

પાકિસ્તાનમાં રહે છે 75 લાખ હિંદુઓ

પાકિસ્તાનમાં હિંદુઓ સૌથી મોટા અલ્પસંખ્યક સમુદાયમાંથી એક છે. આંકડાકીય રીતે જોઈએ તો પાકિસ્તાનમાં આશરે 75 લાખ હિંદુઓ રહે છે. જોકે અલ્પસંખ્યકોના કહેવા પ્રમાણે તેમની વસ્તી 90 લાખ જેટલી છે. મોટા ભાગના હિંદુ પરિવારો સિંધ પ્રાંતમાં રહે છે જ્યાં હંમેશા તેમના સાથે મારપીટ અને ઉત્પીડનની ઘટનાઓ બનતી રહે છે.