×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગાલેન્ડ બન્યું દેશનું પહેલું એવું રાજ્ય જ્યાં વિપક્ષ વગર જ ચાલશે સરકાર, તમામ દળોએ મિલાવ્યો હાથ


- એનડીપીપી, બીજેપી, એનપીએફ અને અપક્ષ ધારાસભ્યોના પાર્ટી નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો 

નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર, 2021, રવિવાર 

રાજકારણમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનું ઘમસાણ એ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં હવે એક એવું પણ રાજ્ય છે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે. આ રાજ્ય દેશનું પૂર્વોત્તર નાગાલેન્ડ રાજ્ય છે. નાગાલેન્ડ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે. 

મોટા રાજકીય બદલાવના ક્રમમાં તમામ પાર્ટીઓએ એક સાથે મળીને સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા તમામ રાજકીય દળોએ કોહિમા ખાતે એક સર્વદળીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ સાથે જ સત્તા પક્ષ અને તમામ વિપક્ષી દળોએ હાથ મિલાવી લીધો છે. 

નાગાલેન્ડે દેશના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડી દીધો છે. હવે ત્યાં વિપક્ષ રહિત સરકાર ચાલશે. રાજધાની કોહિમા ખાતે સર્વદળીય બેઠકમાં તેના પર અંતિમ મહોર લાગી હતી. સત્તા પક્ષ અને વિપક્ષે મળીને કામ કરવાનો નિર્ણય લીધો હતો. 

સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન

સદને સંકલ્પ લીધો હતો કે, નવી સરકાર સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન તરીકે ઓળખાશે. આ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી પણ સામેલ છે. હકીકતે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયૂ રિયોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિપક્ષ રહિત સરકાર અપનાવવા માટેનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો. 

મુખ્યમંત્રી રિયોએ આ નિર્ણય બાદ ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, નાગાલેન્ડમાં વિપક્ષ રહિત સરકાર માટે સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન (UDA)નું નામકરણ થયું છે. એનડીપીપી, બીજેપી, એનપીએફ અને અપક્ષ ધારાસભ્યોના પાર્ટી નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. 


નાગાલેન્ડ સરકારની પ્રવક્તા નીબા ક્રોનૂના કહેવા પ્રમાણે ધારાસભ્યો આગામી થોડા દિવસોમાં જ UDAના ગઠન માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખશે. પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, નવી સરકારને નાગાલેન્ડ સંયુક્ત સરકાર કહેવામાં આવશે પરંતુ ક્રોનૂના કહેવા પ્રમાણે શનિવારની બેઠક દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે, નવી સરકારનું નામ યુડીએ જ વધારે ઉપયુક્ત હશે.