×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'સોનિયા ગાંધીએ કહ્યું- આઈ એમ સોરી અમરિંદર', કેપ્ટને વર્ણવી તે ફોન કોલની આખી વાત


- પંજાબના મુખ્યમંત્રી પદે રાહુલ ગાંધીના નજીકના ગણાતા પૂર્વ સાંસદ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુનીલ જાખડ નું નામ નિશ્ચિત માનવામાં આવે છે

નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર, 2021, રવિવાર 

પંજાબના મહત્વના રાજકીય ઘટનાક્રમમાં કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. પંજાબમાં કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક બોલાવવા સહિત વિવિધ મુદ્દે નારાજ કેપ્ટન અમરિંદરે રાજીનામુ આપ્યા બાદ પંજાબ કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુ પર બરાબરનો હુમલો બોલાવ્યો હતો. 

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે તેમણે રાજીનામુ આપવાની વાત કરી ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફોન પર તેમને 'આઈ એમ સોરી અમરિંદર' કહ્યું હતું. 

પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, 'સોનિયા ગાંધીએ તેમને સવારે ફોન કર્યો હતો તે સમયે તેઓ હાજર નહોતા. પાછા આવ્યા બાદ તેમનો મિસ્ડ કોલ જોઈને મેં કોલબેક આપ્યો હતો અને મેડમ આ સીએલપીનું શું ચાલી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. આવામાં હું રાજીનામુ આપી દઈશ. મને લાગી રહ્યું છે કે મારે રાજીનામુ આપી દેવું જોઈએ. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓકે, તમે રાજીનામુ આપી શકો છો. મેં કહ્યું ઠીક છે, હું રાજીનામુ આપી દઈશ. ત્યાર બાદ તેમણે કહ્યું સોરી અમરિંદર. મેં તેમને કહ્યું કે, ધેટ્સ ફાઈન, ધેટ્સ ઓકે.'

સુનીલ જાખડ બની શકે આગામી મુખ્યમંત્રી

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું ત્યારથી અનેક નામ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતા. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે હવે રાહુલ ગાંધીના નજીકના ગણાતા પૂર્વ સાંસદ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુનીલ જાખડ નું નામ નિશ્ચિત માનવામાં આવે છે. તે સિવાય પંજાબમાં 2 ડેપ્યુટી સીએમ પણ બનાવાઈ શકે છે.