×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સામના દ્વારા શિવસેનાનો BJP પર કટાક્ષ, CM બદલવા મુદ્દે કહ્યું- 'મોદી છે તો શક્ય છે'


- વડાપ્રધાન મોદીનો ચહેરો નહીં હોય તો ભાજપના વર્તમાન અનેક નાચનારા મહોરા નગર પાલિકાની ચૂંટણીમાં પણ પરાજિત થઈ જશે

નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર, 2021, શનિવાર 

શિવસેનાએ પોતાના સામના મુખપત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કર્યો છે. સામનામાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી પાર્ટીમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના મનમાં જે છે તે બધું જેપી નડ્ડાના માધ્યમથી સાકાર કરાવાઈ રહ્યું છે. નડ્ડા દ્વારા ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી પણ એક ઝાટકામાં બદલી નાખવામાં આવ્યા. ત્યાં તો આખા મંત્રીમંડળનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું. 

સામનાના અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી જ વખત ધારાસભ્ય બનનારા નેતા છે પરંતુ હવે મોદી-નડ્ડાએ એવો ઝાટકો આપ્યો છે કે, રાજકારણમાં કશું જ અશક્ય નથી. રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓને મોદી અને નડ્ડાએ ઘરે બેસાડી દીધા છે. જે 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તે સૌ પ્રથમ વખત જ મંત્રી બન્યા છે. 

રૂપાણી પાછળ અમિત શાહનું સમર્થન

નીતિન પટેલ સહિતના તમામ જૂના-પ્રસિદ્ધ લોકોને કાઢીને મોદી અને નડ્ડા ગુજરાતમાં નવો દાવ રમ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ હતા તેમને હટાવીને મંત્રી બનાવી દેવામાં આવ્યા. રૂપાણી પાછળ અમિત શાહનું સમર્થન હતું પરંતુ તેમના સમગ્ર મંત્રીમંડળને ઘરને રસ્તો બતાવીને મોદી-નડ્ડાની જોડીએ પોતાની પાર્ટીને એક જોરદાર રાજકીય સંદેશો આપ્યો છે. 

નીતિન પટેલ પોતાને 'હેવી વેઈટ' સમજતા હતા અને તેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. રૂપાણીને કિનારે કરી દેવામાં આવ્યા ત્યારે પણ તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. ગુજરાતમાં તેઓ પાટીદાર સમાજના મહત્વપૂર્ણ નેતા છે અને પાટીદાર સમાજમાં તેમનું વજન છે. ગુજરાતમાં પાટીદાર સમાજનું મોટું આંદોલન થયું ત્યારથી તે સમાજ વિચલિત છે. 

ગુજરાતમાં ભાજપનો ફજેતો થશે

આગામી વિધાનસભા ચૂંટણીમાં આ અસંતોષનો ઝાટકો લાગશે અને ગુજરાતમાં ભાજપનો ફજેતો થશે. આવું અનુમાન લાગતા જ પહેલા રૂપાણીને તેમના આખા મંત્રીમંડળ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા પરંતુ નેતૃત્વને સંપૂર્ણપણે બદલતી વખતે પાટીદાર સમાજના નેતા નીતિન પટેલને પણ દૂર કરી દેવાયા. 

નવા મંત્રીમંડળમાં પટેલ મુખ્યમંત્રીની સાથે 14 મંત્રી પાટીદાર સમાજ અને ઓબીસી સમાજના છે. આ સાહસનું કામ કહેવાય અને પીએમ મોદી જ પોતાની પાર્ટીમાં આવું સાહસી પગલું ભરી શકે. મોદી હવે 70 વર્ષના થઈ ગયા છે માટે જ તેમના પગલા વધારે દમદાર ઢંગથી વધી રહ્યા છે અને રસ્તાના કાંટા તેઓ પોતે જ સાફ કરી રહ્યા છે. 

પીએમ મોદી રાષ્ટ્રીય રાજકારણના સૂત્રધાર બન્યા તે સાથે જ તેમણે પાર્ટીના અનેક જૂના-પ્રસિદ્ધ નેતાઓને દૂર કરીને માર્ગદર્શક મંડળમાં નાખી દીધા. મતલબ કે, આ માર્ગદર્શક મંડળ જરૂરિયાત માટે નહીં પરંતુ ઉપકાર માટે રાખવામાં આવ્યું. અડવાણી, મુરલી મનોહર જોશી પણ આ માર્ગદર્શક મંડળમાં જ બેઠા છે. ગઈકાલની કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં પુનર્ગઠનમાં અનેક જૂના લોકોને મોદીએ ઘરનો રસ્તો બતાવીને નવા લોકોને સ્થાન આપ્યું. 

રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર પર પણ મંત્રી પદ ગુમાવવાની નોબત આવી. મોદીએ 2024ની સાર્વજનિક ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને તે કામની કમાન પોતાના પાસે રાખવાનો નિર્ણય લીધો છે. દેશમાં બધું મળીને અસમંજસની સ્થિતિ છે. 

ભાજપને વિપક્ષમાં બેસવું પડી રહ્યું છે

મોદી-નડ્ડા માટે આ સમજવાનો સમય આવ્યો અને એટલા માટે જ તેમણે ગુજરાતથી લઈને ઉત્તરાખંડ સુધી સ્વચ્છતા અભિયાન હાથમાં લેવું પડ્યું. છેલ્લા થોડા મહિનાઓમાં એક આસામ છોડીને બંગાળ, તમિલનાડુ, કેરળમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો. બંગાળમાં તો અમિત શાહે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. કેરળમાં ઈ.શ્રીધરન જેવા મોહરાઓને કામ પર લગાવવામાં આવ્યા હતા. અમિત શાહ કોઈ પણ ચમત્કાર કરી શકે છે તેવું પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ અમિત શાહના સમયમાં મહારાષ્ટ્રમાં 25 વર્ષ જુની ભાજપા-શિવસેના યુતિ ખંડિત થઈ ગઈ અને ભાજપે હવે વિપક્ષમાં બેસવું પડ્યું. 

મોદીનો ચહેરો ન હોય તો...

વડાપ્રધાન મોદીનો ચહેરો નહીં હોય તો ભાજપના વર્તમાન અનેક નાચનારા મહોરા નગર પાલિકાની ચૂંટણીમાં પણ પરાજિત થઈ જશે. મોદીને પોતાની આ શક્તિની જાણકારી હોવાના કારણે તેમણે 2024ની તૈયારી માટે સાહસી પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મોદી-નડ્ડાની જોડીએ 3 રાજ્યના મુખ્યમંત્રીઓ બદલી નાખ્યા. ગુજરાતમાં તો આખી જમીન ખોદીને સડેલા નિંદણને મૂળમાંથી ઉખાડી ફેંક્યા. મધ્ય પ્રદેશ, હિમાચલ, હરિયાણાના મુખ્યમંત્રી પર મોદી-નડ્ડાની તીક્ષ્ણ નજર છે. મોદીએ ગુજરાતમાં બધું જ બદલી નાખ્યું. પાર્ટીને આ ભયમાંથી બહાર આવતા સમય લાગશે અને સરકાર રહિત પ્રદેશોમાં પણ આ પ્રયોગ થઈ શકે છે. 'મોદી છે તો શક્ય છે' અહીં આટલું જ...