×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નો રિપીટ ફોર્મ્યુલાનો હિંમતભર્યો ગુજરાત પ્રયોગ, દેશ માટે નવો સંકેત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો

જૂના, ભ્રષ્ટ અને ખરડાયેલા ચહેરા હવે જ્ઞાતિ, પ્રદેશ કે સિનિયોરિટીના જોરે ટકી રહે એ ભૂતકાળની વાત બની જશે

કઠોર અને સાહસિક નિર્ણય લઇ એવો સ્પષ્ટ નિર્દેશ અપાયો કે નવા ચહેરા સાથે નવું પ્રયાણ

અમદાવાદ : ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગીમાં રાજકીય અચંબો પમાડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળની રચનામાં નો રિપીટ ફોર્મ્યુલાનો જડબેસલાક અમલ કરીને ફરી એકવાર સહુને ચોંકાવી દીધા છે. આમ પણ ભારતીય જનતા પક્ષ માટે પાછલા અઢી દાયકાથી ગુજરાત એ માત્ર એક રાજ્ય નહીં પણ વિવિધ રાજકીય પ્રયોગોની લેબોરેટરી રહ્યું છે અને અહીંના સફળ પ્રયોગોનો દેશભરમાં અમલ કરવાનો એક ચીલો પાડયો છે.

આ વખતે મુખ્યમંત્રી તરીકે તદ્દન નવો ચહેરો અને મંત્રીમંડળમાં પણ આખા ગુજરાત માટે જાણીતા ના હોય એવા નવા ચહેરાઓને સમાવવાનો પડકારજનક ઉપક્રમ રચીને આખા દેશમાં ભાજપશાસિત રાજ્યોમાં એક જુદા પ્રકારનો સંદેશા પહોંચાડી દીધો છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં જે ઘટનાક્રમ સર્જાયો, બુધવારે તો શપથવિધિ બંધ રાખવી પડે તેવો ગુજરાતના અને કદાચ ભારતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ બનાવ તરીકે નોંધાયો હતો.

બુધવારની ઘટનાના મૂળ કારણમાં રૂપાણી સરકારમાં કાર્યરત જૂના અને સીનિયર મંત્રીઓની સંભવિત બાકી અર્થાત્ કોઇને પણ ફરીથી મંત્રી નહીં બનાવાય તેવી દિલ્હી સ્તરેથી અપાયેલી સૂચના પછી પોતપોતાનું વર્ચસ્વ દેખાડવાની કે પોતે નારાજ છે એવું સ્પષ્ટ કરવાની કહેવાની અને પરિણામે કોઇક અશિસ્તભર્યા બનાવો સર્જાવાની સાહજિક બાબત હતી.

સૂત્રો કહે છે કે, નવા મુખ્યમંત્રી અને તદ્દન નવા મંત્રીઓ અને એમને શાસન કરવા માટે જે સમય મળવાનો છે તેમાં એક ટીમવર્કથી કામ કરીને 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય તેમાં મતદારો સમક્ષ જવાની તૈયારીઓ વિચારી લીધી છે.

જૂના ચહેરા સાથે નવી ચૂંટણીમાં જવાથી કોઇપણ પ્રકારે સંકટ આવી શકે છે અને એ વખતે જે થાય તેને અનુરૂપ નિર્ણય લેવાશે એવો પાકો મનસૂબો મોદી અને શાહે ઘડી કાઢેલો છે એટલે ઉભરાપેટે આવતી આજુબાજુની કંઇ વાત વિચાર્યા વગર આગળ વધવાનો કઠોર નિર્ણય લીધો છે.

મોદી આમ પણ રાજકીય આશ્ચર્યો સર્જવામાં માહેર છે અને એ જ શ્રૂંખલામાં પોતાના હોમલેન્ડમાં આકરો નિર્ણય લેવા મક્કમ રહ્યા છે. એક રીતે જોઇએ તો આ ગુજરાતનો જ નહીં આખા દેશમાં પહેલો કિસ્સો છે જેમાં તળિયાઝાટક ફેરફાર થયો છે. ભૂતકાળમાં કોઇ પક્ષ આવી કઠોરતા કે હિંમત દાખવી શક્યો નથી.

ગુજરાતમાં, વિજય રૂપાણીને પાંચ વર્ષ પહેલાં સુકાન સોંપાયું, શાસન કરવા દેવાયું પણ હવે આગામી દિવસોમાં નવા જુસ્સા સાથે લોકો સમક્ષ જવાનું છે તેવી સ્પષ્ટતા સાથે આ જોડીએ નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા જેવા આગેવાનોને સંકેત આપી દીધો કે પક્ષે તમને પૂરતો સમય, પૂરતી સત્તા આપી હતી.

હવે નવાઓ માટે રસ્તો ખાલી કરો. આ વાત જેટલી વહેલી સમજો તેટલું સારૂં છે. નરેન્દ્ર મોદી એ ભારતીય જનતા પક્ષનો એકમાત્ર ચહેરો બની રહ્યા છે. ચૂંટણીઓનાં પરિણામો પર એમનો વ્યક્તિગત જાદુ કારગત થતો રહ્યો છે.

પાછલાં વર્ષોમાં ગુજરાતમાં ભાજપમાંથી જે ચૂંટાયા છે તે બધા આ ચહેરાના કારણે છે. તેમની વ્યક્તિગત પહોંચ નથી કે 'માઇનસ મોદી' સાથે તેઓ ગુજરાતમાં કયાંય કશું જીતી શકે. આવા સંજોગોમાં દિલ્હીની ઇચ્છા વિરૂદ્ધ જઇને કોઇ એવી અશિસ્ત આચરે તો તે પોતાની રાજકીય કારકિર્દી પર જ કુહાડો મારે તેવી સ્થિતિ છે.

ટૂંકમાં, મોદીએ પોતાના આ કઠોર 'ગુજરાત પ્રયોગ'ને અમલી બનાવી દઇ આખા ભારતીય જનતા પક્ષે આવનારા દિવસોનો સંકેત આપી દીધો છે. ગુજરાત ભાજપમાં અત્યારે તો એકેય ચહેરો રાજ્ય વ્યાપી કરિશ્મા ધરાવતો નથી જે મોદીના ચહેરા વગર, આગવી રીતે રાજકીય કારકિર્દી ઘડી શકે છે.

આમ એક આકરો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે તો ગુજરાત માટે પણ હવે પછીના દિવસોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યાંના નેતાઓ, કાર્યકરોને દિશા- નિર્દેશો આપી દીધા છે કે જૂના, ભ્રષ્ટ કે ખરડાયેલા ચહેરાઓને અલીગઢી તાળું લાગી જશે.