×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આતંકવાદના એપિસેન્ટર પાસેથી શીખવાની જરૂર નથી', UNHRCમાં PAKએ કાશ્મીર મુદ્દો ઉખાળ્યો તે અંગે ભારતનો જવાબ


- ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC) દેશોએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

સંયુક્ત રાષ્ટ્ર હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં બુધવારે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી નાખી હતી. કાશ્મીર મુદ્દો ઉઠાવવાને લઈ ભારતે પાકિસ્તાનને નિશાન પર લીધું હતું અને તેમણે (ભારતે) કોઈ નિષ્ફળ પાસેથી શીખવાની જરૂર નથી જે આતંકવાદનું એપિસેન્ટર હોય તેમ કહ્યું હતું. આ સાથે જ ભારતે OIC દેશોને પણ લપેટમાં લીધા હતા અને તેમણે પાકિસ્તાનની વાતોમાં આવવાની જરૂર નથી તેવી સલાહ આપી હતી. 

UNHRCના 48મા સેશનમાં ભારતે પાકિસ્તાન અંગે જણાવ્યું કે, તે એક એવો દેશ છે જે ખુલ્લેઆમ આતંકવાદીઓને ટ્રેઈનિંગ આપે છે, તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે અને આર્થિક મદદ આપે છે. આ બધા એવા આતંકવાદી છે જેમને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ ગ્લોબલ આતંકવાદી ગણાવાઈ ચુક્યા છે. 

જીનિવા ખાતે યોજાયેલા આ સેશનમાં ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી પવન બાધેએ આ જવાબ આપ્યો હતો. હકીકતે પાકિસ્તાને ફરી એક વખત ત્યાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC) દેશોએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. આ કારણે ભારતે આકરો જવાબ આપ્યો હતો. 

ભારતે કહ્યું કે, પાકિસ્તાનની આદત થઈ ગઈ છે કે, તે આ પ્રકારના મોટા પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરે છે અને પોતાનો એજન્ડા ચલાવે છે. આ પ્રકારના મુદ્દા ઉઠાવીને પાકિસ્તાન પોતાના દેશમાં સામાન્ય લોકો પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પરથી ધ્યાન હટાવવા માગે છે. 

ભારતે બેખોફ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. દરરોજ પાકિસ્તાનથી પીડાદાયી સમાચાર સામે આવે છે. અલ્પસંખ્યકોમાં ભયનો માહોલ છે તેવામાં ખુલ્લેઆમ આતંકવાદનું સમર્થન કરનારા દેશે આ પ્રકારની વાતો ન કરવી જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી જેમાં પાકિસ્તાને કોઈ મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર આ પ્રકારે અપમાનિત થવું પડ્યું હોય. પાકિસ્તાને જ્યારે જ્યારે આ પ્રકારે કાશ્મીર મુદ્દો ઉઠાવવા પ્રયત્ન કર્યો છે ત્યારે ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.