×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલમાં અફઘાની મૂળના ભારતીય કારોબારીનું અપહરણ, સહયોગીએ ભાગીને બચાવ્યો જીવ


- ભારતીય વિદેશ મંત્રાલયને આ અંગે જાણ કરી દેવામાં આવી છે તથા સરકારને તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને સહયોગ કરવા કહેવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ચાલી રહ્યો છે. તાલિબાનીઓ વિરોધીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ તેમણે અફઘાની મૂળના એક ભારતીય કારોબારીનું અપહરણ કરી લીધું છે. 

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંઢોકે જણાવ્યું કે, તાલિબાનીઓએ કાબુલ ખાતે અફઘાન મૂળના એક ભારતીય કારોબારીનું બંદૂકની અણીએ અપહરણ કરી લીધું છે. તેમનું નામ બંસરીલાલ અરેન્દેહી છે. બંસરીલાલ શીખ સમુદાયના છે.

તેમણે જણાવ્યું કે, 50 વર્ષીય બંસરીની કાબુલમાં દવા ઉત્પાદનની દુકાન છે. તાલિબાનીઓએ મંગળવારે સવારે 8:00 વાગ્યે દુકાન પાસેથી તેમનું અપહરણ કર્યું હતું. તાલિબાનીઓએ બંસરીની સાથે તેમના સ્ટાફના લોકોને પણ કિડનેપ કર્યા હતા. જોકે તે લોકો કોઈ પણ રીતે તેમની ચુંગાલમાંથી બચીને ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા. તાલિબાનીઓએ સ્ટાફને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હતો. 

પુનીત સિંહે જણાવ્યું કે, બંસરીનો પરિવાર દિલ્હી-એનસીઆરમાં રહે છે. સ્થાનિક તપાસ એજન્સીઓએ તેમના અપહરણનો કેસ નોંધ્યો છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, ભારતીય વિદેશ મંત્રાલયને આ અંગે જાણ કરી દેવામાં આવી છે તથા સરકારને તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને સહયોગ કરવા કહેવામાં આવ્યું છે.