×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ભારે વરસાદના કારણે રસ્તાથી લઈને રનવે સુધી જળબંબાકાર, અંડરપાસમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા


- ભારે વરસાદના કારણે દ્વારકા મેટ્રો સ્ટેશન બહાર દીવાલ ધસવાની ઘટના સામે આવી

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

દેશની રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે જેથી ગાડીઓના પૈડાને બ્રેક વાગી ગઈ છે. એરપોર્ટના રનવે પર પણ દરિયાની જેમ પાણી લહેરાઈ રહ્યું છે. દિલ્હીના જખીરા અંડરપાસમાં 10 ફૂટ સુધી પાણી ભરાવાના કારણે પરિવહનને અસર પહોંચી છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે દિલ્હીમાં વીકએન્ડ પર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. 

ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે ભારે વરસાદને લઈ યેલો એલર્ટ આપ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ અને તેજ પવન વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીનું તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગે દિલ્હી, નોએડા, ગ્રેટર નોએડા સહિત એનસીઆરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. 

ભારે વરસાદના કારણે દ્વારકા મેટ્રો સ્ટેશન બહાર દીવાલ ધસવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી નોંધાઈ. સાવચેતીના ભાગરૂપે દ્વારકા મેટ્રો સ્ટેશનને કામચલાઉ રૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ પરિસરમાં પાણી ભરાવાને લઈ યાત્રિઓ સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે. ઓથોરિટીના કહેવા પ્રમાણે તપાસ માટે ટીમ રચવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો ઉકેલ લાવવામાં આવશે. 

ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટર્મિનલ-3) અંદર પણ ભારે પાણી ભરાયું હોવાની તસવીરો સામે આવી છે. તસવીરોમાં પ્લેનના પૈડા પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે. 

ભારે વરસાદના કારણે આઝાદ માર્કેટ અંડર પાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર રોકી દીધી છે.