×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એજન્સી તપાસ અંગે શરદ પવારે કહ્યુંઃ '4-5 વર્ષ પહેલા ED શું હોય છે, તે આપણને ખબર પણ નહોતી'


- ઘણી વખત લોકોની ધરપકડ કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવે છે તે એજન્સીનો સ્પષ્ટપણે દુરૂપયોગ 

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા શરદ પવારે ગુરૂવારે કોંગ્રેસ અંગે અનેક મહત્વની વાતો કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હવે નબળી પડી ગઈ છે. જોકે સાથે જ એમ પણ કહ્યું હતું કે, ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઈડી અને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપો અંગે પણ વાત કરી હતી. 

શરદ પવારે જણાવ્યું કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન અમુક રાજ્યોમાં અમુક ઘટનાઓ બની. પરંતુ હવે જે રીતે ઈડીનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેવું કદી નહોતું બન્યું. 4-5 વર્ષ પહેલા ઈડી શું હોય છે તે આપણને ખબર પણ નહોતી. ઈડી અંગે કદી ચર્ચા નથી થઈ. પહેલા વધુમાં વધુ એવું બનતું કે, કેસ સીબીઆઈ પાસે જશે પરંતુ તેનાથી વધારે કશું નહોતું. આ ઈડી શું છે? તે હવે ખબર પડી ગઈ છે. ઘણી વખત લોકોની ધરપકડ કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવે છે તે એજન્સીનો સ્પષ્ટપણે દુરૂપયોગ છે. 

શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંહના આરોપો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, એ પોલીસ કમિશ્નર હાલ સામે કેમ નથી આવી રહ્યો? મુદ્દો એ છે કે, જે અધિકારીએ કશું કર્યું છે તેને સાઈડમાં કરી દેવામાં આવ્યો છે અને તે અધિકારીની તપાસ કરવાના બદલે કેન્દ્ર સરકાર તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. આ વલણ ઘાતક છે.

સરકારની સ્થિરતા અંગે વાત કરતા શરદ પવારે કહ્યું કે, આ સરકારના અસ્થિર હોવાની કોઈ હદ નથી. વાસ્તવમાં આ બધા મુદ્દાના કારણે તે વધારે મજબૂત બની રહી છે. જે રીતે સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તેના વિરૂદ્ધ આપણે એક સાથે ઉભા રહેવું જોઈએ.