×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરદ પવારનો કટાક્ષઃ કોંગ્રેસની હાલત જમીનદારો જેવી, જે હવેલી ન બચાવી શક્યા


- જ્યારે મમતા બેનર્જીને 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષનો ચહેરો બનાવવાની વાત ચાલી તો કોંગ્રેસના લોકોએ કહ્યું કે તેમના પાસે રાહુલ ગાંધી છે

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

દેશના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરૂવારે કોંગ્રેસ પર બરાબરનું નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે સ્વીકારવું જોઈએ કે, હવે તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી નથી રહી, જેમ એક સમયે રહેતી હતી. તેમણે મહારાષ્ટ્રના સત્તારૂઢ ગઠબંધનની પાર્ટીને રિયાલિટી ચેક એટલે કે સત્યનો સામનો કરવાની સલાહ પણ આપી હતી. 

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ એ જમીનદારો જેવી છે જે પોતાની હવેલી ન બચાવી શક્યા. શરદ પવારે વધુમાં જણાવ્યું કે, અન્ય વિપક્ષી દળો સાથે કોંગ્રેસની નજદીકી ત્યારે જ વધશે જ્યારે એ વાસ્તવિકતા સ્વીકારશે કે હવે તે કાશ્મીરની કન્યાકુમારી સુધી નથી રહી. શું તેનું કારણ અહંકાર હોઈ શકે તેવા સવાલના જવાબમાં પવારે કટાક્ષના સૂરમાં કહ્યું કે, કોંગ્રેસ એવા જમીનદારો જેવી છે જે પોતાની મોટા ભાગની જમીન ગુમાવી ચુક્યા છે અને પોતાની હવેલી બચાવવા પણ સક્ષમ નથી રહ્યા. 

આ વાતને વિસ્તારથી સમજાવતા તેમણે કહ્યું કે, તેમણે ઉત્તર પ્રદેશના જમીનદારોની એક વાર્તા સાંભળી હતી. તેમના પાસે મોટી જમીનો અને વિશાળ હવેલીઓ હતી. ત્યાર બાદ ભૂમિ હદબંધી કાયદાના કારણે જમીનો હાથમાંથી જતી રહી. હવેલી રહી પણ તેના સમારકામ, સંભાળની તાકાત ન રહી. હજારો એકર જમીનના બદલે 10-20 એકર જમીન બચી. 

પવારે જણાવ્યું કે, જ્યારે પણ નેતૃત્વની વાત આવે છે ત્યારે કોંગ્રેસના મારા મિત્રો અલગ મંતવ્ય નથી રજૂ કરી શકતા. જ્યારે મમતા બેનર્જીને 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષનો ચહેરો બનાવવાની વાત ચાલી તો કોંગ્રેસના લોકોએ કહ્યું કે તેમના પાસે રાહુલ ગાંધી છે.